દાંતની માવજત કરો, મજાક નહી


કેટલાક લોકો હસે એટલે દાંતમાંથી ફૂલઝડી વરસે, કેટલાક હસે ત્યારે ઠળિયા જેવા દાંતને કારણે દાંતિયા કાઢતા હોય એવું લાગે, તો વળી કેટલાક લોકો એના ગંદા-ગોબરા દાંત ખુલ્લા ન પડી જાય એટલે હસવાનું જ ટાળે! આમાંથી કઈ પરિસ્થિતિ પસંદ કરવી એ આપણા ઉપર અવલંબે છે? સવાલ છે, માત્ર દાંતની માવજતનો.


દાંત એ મનુષ્યને કુદરત તરફથી મળેલ બત્રીસ દીકરોઓનું વરદાન છે એટલે દાંતએ દીકરા છે, મજુર નહિ. એની માવજત દીકરાઓની જેમ એક એકની થવી જોઈએ. હમેંશા થવી જોઈએ. વારંવાર થવી જોઈએ. સરેરાશ પુરુષ દાઢી કરવામાં કે મહિલા માથાના વાળ ઓળવામાં જેટલો સમય કાઢતા હશે એટલો સમય દાંતની માવજતમાં ફાળવતા નહિ હોય. આ કથનમાં અતિશયોક્તિ લાગતી હોય તો બોખા કે ચોકઠું પહેરીને મોંઢું મલકાવતા મનુષ્યોની સંખ્યા ગણી લેવી.

દાંતની માવજત પણ દીકરાઓની જેમ કરવાની હોય. એવું સ્વીકારતા હો તો આજથી જ એની માવજત કરો. કઈ રીતે?

દાંતની જાળવણી- માવજતમાં ખાસ કરીને મહત્વનું છે દાંતની યોગ્ય પદ્ધતિથી સફાઈ.

પડોશીના ઘરમાં સંભળાય એવા મોટા અવાજ કરી કરી કોગળા કરીએ એટલે દાંત સાફ! મોઢામાં પાણી ભરી અંદર આંગળીના ધોકા મારીએ એટલે દાંત અને પેઢા ચોખ્ખા ચટ્ટ. આવી માન્યતાઓ મગજમાં ભરી હોય તો કાઢી નાખવી. ખરેખર દિવસમાં બે થી ત્રણ વખત દાંતને બ્રશથી સાફ કરવા જરૂરી છે. સવારે બ્રશ કરવું જરૂરી છે. એથી પણ રાત્રે બ્રશ કરવાની અગત્યતા વિશેષ છે. રાત્રી ભોજનના અન્નકણો સવાર થતા દાંતને નુકસાન પહોચાડે ત્યાર પહેલા તેને રાત્રે બ્રશ કરી દુર કરવા જોઈએ. બ્રશ હમેશા નરમ વાપરવું જોઈએ. કડક બ્રશ દાંત અને પેઢાને છોલી નાખે છે. દર ત્રણ મહિને બ્રશ બદલાવવું જોઈએ. બ્રશ કરતી વખતે મોંઢું હમેશા ખુલ્લું રાખો. ઉપરના જડબાના અને નીચેના જડબાના દાંત અલગ-અલગ સાફ કરો. દાંત ભેગા કરીને ઉપર નીચેના દાંત એક સાથે સાફ કરવા નહી. બ્રશને દાંતની ઉપર ૪૫ અંશ ખૂણે (ત્રાંસુ) ગોઠવો અને પછી ઉપરના દાંત માટે ઉપરથી નીચે તરફ અને નીચેના દાંત માટે નીચેથી ઉપર તરફ ફેરવો. બ્રશને નાજુકાઈથી હળવે હાથે ફેરવાનું. દાંત એ મેલું કપડું નથી કે વધુ જોરથી સાબુ ઘસવાથી વધુ ઉજળું થાય. ખરા અર્થમાં એક-એક દાંતને યાદ કરી સાફ કરવા જોઈએ. દાંતની ઉપરની સપાટી, અંદરની સપાટી અને બે દાંત વચ્ચેની જગ્યા અને ખૂણા ખાંચા સાફ કરવા એટલા જ મહત્વના છે.

યાદ રાખો:  દંતપંક્તિ ઉપર બ્રશ ઉપરથી નીચે અને નીચેથી ઉપરની દિશામાં ચાલવું જોઈએ. જમણેથી ડાબે કે ડાબેથી જમણે નહિ. જો બે દાંતની વચ્ચે જગ્યા હોય અને ટુથબ્રશથી  સાફસુફી અશક્ય હોય તો “ડેન્ટલ ફ્લોશ” કે “ઇન્ટરડેન્ટલબ્રશ” દાંતના ડોક્ટરની સલાહ લઈને વાપરવું જોઈએ. દાંત સાફ કરવા કયારેય પણ સળી કે ટુથપીક નો ઉપયોગ કરવો નહિ. જમ્યા બાદ કોગળા કરવાની ટેવ રાખો.

દાંત અને મોંઢું સ્વસ્થ રાખવાના પાંચ સોનેરી સુત્રો.

✦રોજ બે થી ત્રણ વખત વ્યવસ્થિત બ્રશ કરો.
✦વિટામીન અને ખનીજ તત્વોથી ભરપૂર અને રેસાવાળો ખોરાક લો.
✦આઈસક્રીમ, ચોકલેટ, મીઠાઈ વગેરેનો ઉપયોગ ઓછો કરો, ખાસ કરીને બે ભોજન વચ્ચે  આવો ગળ્યો કે ચીકણો આહાર ના લેવો.
✦સારા ટુથબ્રશ અને ટુથપેસ્ટ વાપરો.

તમારા દાંત રાજીનામું આપે તે પહેલા એને સાચવી લો.

આ પણ વાંચો, તમને જરૂર ગમશે.


શું આપનું બાળક બ્રશ કરવામાં ધાંધીયા કરે છે?દાંતના સડાથી કઈ રીતે બચશો ?પયોરીયાથી કેવી રીતે બચશો?દાંતની માવજત કરો, મજાક નહિ.કઈ ટુથપેસ્ટ સારી?




જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો. 

You may like these posts: