સ્મિત શા માટે મહત્વનું છે?
કેટલાક લોકો હસતી વખતે દાંત દેખાય નહીં તે રીતે હસતાં હોય
છે, શા માટે?
આદર્શ અને મોહક સ્મિત કેવું હોય છે?
તમારા સ્મિતને કઈ રીતે આકર્ષક બનાવી શકાય?
સ્માઇલ ડિઝાઇનના શું શું ફાયદા છે?
સ્માઇલ ડિઝાઇનની જરૂર કયારે પડે? અથવા કેમ ખબર પડે કે મને
સ્માઇલ ડિઝાઇનની જરૂર છે?
સ્માઇલ ડિઝાઇનની સારવારમાં શું કરવામાં આવે?
ડિજિટલ સ્માઇલ ડિઝાઇન એટલે શું અને તે કેવી રીતે કરવામાં
આવે છે?
શું કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે?
કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી દાંત સેન્સિટિવ થઈ
જાય છે, એ સાચું છે?
શું સ્માઇલ ડિઝાઇનની સારવાર અમુક ઉંમર સુધી જ કરાવી શકાય?
સ્માઇલ ડિઝાઇનની સારવાર કેટલો સમય સુધી ટકે છે?
સમય અને પૈસા ખર્ચ્યા વગર કોઈ પણ વ્યક્તિની સુંદરતામાં વધારો
કરે એવું કોઈ આભૂષણ હોય તો તે છે ચહેરા પર સુંદર સ્મિત. સુંદર સ્મિત એવું આભૂષણ છે
કે જે જેની ફેશન કયારેય જૂની થતી નથી .
મેક અપ, ઘરેણાં કે મોંઘા કપડાં કરતાં સુંદર સ્મિતથી સહેલાઈથી
માણસોના મન જીતી શકાય છે. થોડીક ક્ષણના સુંદર સ્મિતની અસર પણ લાંબો સમય રહે છે.
સ્મિત શા માટે મહત્વનું છે?
સ્મિત એ માનવ વ્યક્તિત્વનું સૌથી શક્તિશાળી અને આકર્ષક અંગ
છે. એક સુંદર સ્મિત પોતાની જાતને અને અન્ય લોકોને આનંદ આપે છે અને વ્યવહારને સરળ
અને સુખદ બનાવે છે. સ્મિતથી ઘણી બધી વસ્તુઓ સરળ બની જાય છે. માણસોના મન જીતી શકાય
છે, લડાઇઓ રોકી શકાય છે. અમેરિકન એકેડમી ઓફ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીના સર્વેક્ષણ
મુજબ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે સતત હસતું મોઢું રાખવાથી શરીરમાં 'એન્ડોરફિન' અને 'સેરોટોનિન' જેવા
હોર્મોન્સ રિલીઝ થાય છે, જે માનસિક
તણાવ ઘટાડે છે, મનોસ્થિતિને તરોતાજા રાખે છે. સ્મિત કુદરતી એન્ટીડિપ્રેશન્ટ છે. સદાય
હસમુખ વ્યક્તિ વધારે યુવાન, તંદુરસ્ત અને આકર્ષક લાગે છે. આ સાથે, એક આકર્ષક સ્મિત
વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સફળતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
જો તમે વધારે યુવાન દેખાવા માંગતા હો અને તેના માટે સ્મિતને વધારે આકર્ષક બનાવવાનું વિચારવું જોઈએ. તેનાથી યુવાન દેખાશો, ઉપરાંત યુવાન અનુભવ પણ કરશો.
કેટલાક લોકો હસતી વખતે દાંત દેખાય નહીં તે રીતે હસતાં હોય છે, શા માટે?
આત્મવિશ્વાસનો અભાવ માણસને ખૂલીને હસવા માટે રોકે છે.
કેટલાક માણસો ખરેખર ખુશ હોય છે, તેમ છતાં મોઢું બંધ રાખીને
હસતાં હોય છે. હસતી વખતે પોતાના દાંત કેવા લાગશે, એ બાબતે એકદમ અસહજ હોય છે, ખાસ
કરીને એવા લોકો જેના દાંત પીળા હોય, આડાઅવળા હોય, દાંત તૂટેલા હોય, બેડોળ હોય,
દાંત એકદમ ઘસાઈ ગયા હોય. એકાદ-બે દાંત પડી હોય અથવા દાંત જ ના હોય. જેને કારણે
આત્મવિશ્વાસથી ખૂલીને હસવાનું ટાળે છે, પોતાનું સ્મિત છુપાવી લે છે, જે તેમની વ્યક્તિગત અને સામાજિક જીવનને અસર કરી શકે છે.
સુંદર સ્મિત તમારું જીવન બદલી શકે છે, નવા સંબંધોના દ્વાર
ખોલી આપે છે, નવી તકો ઊભી કરે છે. તમારો આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં વધારો કરે
છે. વ્યક્તિત્વ નિખારે છે. શબ્દો દ્વારા કઈ પણ બોલો, તેના કરતા પહેલા તમારું
આકર્ષક વ્યક્તિત્વ ઘણું કહી દે છે. દુનિયા તમારામાં સૌથી પહેલા એ જ જોવે છે. ફર્સ્ટ
ઈમ્પ્રેસનની તાકાતને અવગણશો નહીં.
સુંદર સ્મિતથી એકંદરે શરીરની તંદુરસ્તીમાં ફાયદો થાય છે, જેમ કે આડાઅવળા દાંત, સીધા કરવાથી તેને વધારે સ્વચ્છ રાખી શકાય છે. ગુમાવેલ દાંત ફરીથી મૂકવાથી ચાવવાની કાર્યક્ષમતા વધારી શકાય છે.
આદર્શ અને મોહક સ્મિત કેવું હોય છે?
સફેદ, ચમકતા, સુંદર અને વ્યવસ્થિત લાઇનમાં ગોઠવાયેલા દાંત, મોહક સ્મિત દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે,
પરંતુ કુદરતી રીતે બહુ જ
ઓછા માણસો આદર્શ, તંદુરસ્ત
દંતપંક્તિ તેમજ મોહક સ્મિત ધરાવે છે, બાકીનાઓ માટે તે સ્વપ્ન જ રહે છે.
કોસ્મેટીક
ડેન્ટીસ્ટ્રી દ્રારા દાંતની સુંદરતા વધારી શકાય છે.
આદર્શ બ્યુટીફૂલ
સ્માઈલ માટે તંદુરસ્ત સફેદ રંગના દાંત, દાંતનો વ્યવસ્થિત આકાર, સમાનતા, દાંતની વ્યવસ્થિત ગોઠવણી અને તંદુરસ્ત પેઢા
હોવા મુખ્ય છે.
દાંતનો રંગ: સફેદ
દાડમની કળી જેવા ચળકતા દાંત, દાંતની સુંદરતા
માટે જરૂરી છે. પીળા દાંત અસ્વચ્છતાની નિશાની ગણાય છે.
દાંતનો આકાર: સ્માઇલ
ઝોનમાં આવેલા આગળના દરેક દાંતની લંબાઈ અને પહોળાઈ ૫:૪ ના ગુણોત્તરમાં હોય તો આવા
દાંત સુંદર લાગે છે. બંને બાજુના દાંતના આકાર સમાન હોય, કોઈ દાંત ખૂણા પરથી કે ધાર પરથી તૂટેલો ના હોવો
જોઈએ.
દાંતની વ્યવસ્થિત
ગોઠવણી: દાંત આડાઅવળા, આગળ-પાછળ કે ડોઢે ચડેલા ના હોવા
જોઈએ. દાંત વચ્ચે અસામાન્ય દેખાતી
જગ્યા ના હોવી
જોઈએ. ઉપરના આગળના બરાબર વચ્ચેના મોટા દાંત (central Incisors)
વચ્ચેની મધ્યરેખા એકદમ સીધી અને ચહેરાની બરાબર મધ્યમાં હોવી જોઈએ. દરેક દાંત સીધી
લીટીમાં જગ્યા ન રહે તે રીતે ગોઠવાયેલા હોવા જોઈએ.
હોઠ: હોઠ એ સ્માઇલની ફ્રેમ છે. હોઠની રચના અને આકાર એવી
રીતે હોવા કે સ્માઇલ ન કરતાં હોઈએ ત્યારે ઉપરના આગળના દાંત માત્ર ૨ મિલીમીટર સુધી
દેખાવા જોઈએ. અને સ્માઇલ કરતી વખતે ઉપરના આગળના બધા દાંત ઉપરાંત ૦ થી ૨ મિલીમીટર
સુધી જ પેઢા દેખાતા હોય તો આવું સ્માઇલ એકદમ આકર્ષક લાગે. સ્માઇલ ડિઝાઇન કરતી વખતે
હોઠ દ્વારા રચાતી લીપલાઇનનું એનાલિસિસ ખૂબ જ અગત્યનું છે. ઉપરના આગળના બધા દાંતની
ધાર નીચેના હોઠની સમાંતર હોવી જોઈએ.
તંદુરસ્ત દાંત:
સડેલા દાંત ક્યારેય સુંદર લાગી શકે નહિ.
તંદુરસ્ત પેઢા: ગુલાબી અને
તંદુરસ્ત પેઢા સુંદર
સ્મિત માટે જરૂરી છે. સોજેલા પેઢા,
પાયોરિયાને કારણે બે દાંત
વચ્ચે થયેલી જગ્યા તેમજ હલતા દાંત, દાંતની સુંદરતા
બગાડે છે. પેઢાનો કલર, બે દાંત વચ્ચે પેઢાનો આકાર, દરેક દાંત વચ્ચે
આવેલા પેઢા દ્વારા રચાતી લાઇનનું એનાલિસિસ સ્માઇલ ડિઝાઇનમાં ખૂબ જ અગત્યનું છે .
સ્માઇલ કરતી વખતે ૨ મિલીમીટરથી વધારે દેખાતા પેઢા બિલકુલ સારા લાગતા નથી.
લિંગ, વ્યક્તિત્વ
અને ઉંમર: પુરુષ કરતાં સ્ત્રીના દાંત થોડા નાના અને ખૂણા થોડીક વધારે ગોળાઈવાળા
હોય છે. એકદમ તિક્ષણ અને મોટી સાઇઝના રાક્ષસી દાંત આક્રમક વ્યક્તિત્વની નિશાની છે.
યુવાનીમાં આગળના દાંતની ધાર અનિયમિત હોય છે અને દાંતની સપાટી થોડી ખરબચડી હોય છે.
જયારે મોટી ઉંમરમાં ઘસારાને કારણે દાંતની ધાર સીધી હોય છે અને દાંતની સપાટી એકદમ
લીસી બની ગઈ હોય છે.
આદર્શ દંતપંક્તિ કુદરતી બક્ષિસ છે. આધુનિક કોસ્મેટીક ડેન્ટલ ટ્રીટમેન્ટથી ખરાબ લાગતા દાંતને સુંદર બનાવી શકાય છે.
તમારા સ્મિતને કઈ રીતે આકર્ષક બનાવી શકાય?
સ્માઇલ ડિઝાઇન. આધુનિક ટેક્નોલોજીની મદદથી આપ તમારું ઇચ્છિત સ્મિત ડિઝાઇન કરાવી શકો છો. સ્માઇલ ડિઝાઇનમાં એક અથવા એક કરતાં વધારે ડેન્ટલ ટ્રીટમેન્ટ દ્વારા કલાત્મક રીતે સુંદર, સુરેખ અને સફેદ કુદરતી લાગે તે રીતે સ્મિતને આકર્ષક બબનાવવામાં આવે છે. સ્માઇલ ડિઝાઇનથી દાંતની સુંદરતા અને સ્વસ્થતા બંનેમાં સુધારો કરી શકાય છે. સ્માઇલ ડિઝાઇનમાં તમારા સ્મિતમાં જે કઈ અને જેટલી ખામીઓ હોય તે ધ્યાનમાં રાખીને ખાસ ટ્રીટમેન્ટ પ્લાન કરવામાં આવે છે.
સ્માઇલ ડિઝાઇનના શું શું ફાયદા છે?
સ્માઇલ ડિઝાઇનથી તમારા સ્મિતને આકર્ષક બનાવી શકાય છે.
તમારું સ્મિત તમારા વ્યક્તિત્વનું મહત્વનું અંગ છે. આકર્ષક સ્મિતથી તમે વધારે
આત્મવિશ્વાસપૂર્ણ અનુભવો છો, જે તમારા
વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં મદદરૂપ થાય છે. સામાજિક સંબંધોમાં સુધારો થાય
છે. સુંદર સ્મિત લોકોને તમારી તરફ આકર્ષે છે અને સકારાત્મક છાપ છોડી જાય છે.
ચમકતા અને સુશોભિત દાંતથી તમે વધુ યુવાન અને તાજગીભર્યા
દેખાશો. આદર્શ સ્મિત તમારા સંપૂર્ણ વ્યક્તિત્વને નિખારે છે અને તમને વધુ
પ્રભાવશાળી બનાવે છે.
જેમજેમ ઉંમર વધતી જાય તેમ દાંત ઘસારાને કારણે ટૂંકા થતાં
જાય છે, દાંતની ધાર, ખૂણા ખરતા જાય છે, દાંતનો કલર વધારે ને વધારે ઘેરો પીળો બનતો
જાય છે. આ બધા ફેરફારો ધીમે ધીમે થાય છે, તેને કારણે એકદમ ખૂલીને હસતાં સંકોચ થાય
છે. સ્માઇલ ડિઝાઈનની ટ્રીટમેન્ટથી તમારા મુરઝાયેલા હાસ્યને ફરીથી જીવંત કરી શકાય
છે.
સ્માઇલ ડિઝાઇનથી દાંતની તેમજ સંપૂર્ણ શરીરની તંદુરસ્તીમાં સુધારો થાય છે.
સ્માઇલ ડિઝાઇનની જરૂર કયારે પડે? અથવા કેમ ખબર પડે કે મને સ્માઇલ ડિઝાઇનની જરૂર છે?
તમે તમારી જાતે પણ ચેક કરી શકો કે તમને સ્માઇલ ડિઝાઇનની
જરૂર છે કે નહીં.
તેના માટે તમારે એક મોટા અરીસા સામે ઊભા રહેવાનું જ્યાં
પૂરતા પ્રમાણમાં પ્રકાશ હોય અને જોવાનું કે
- તમે જે રીતે હસો છો અને તે વખતે તમારા દાંત તમને ગમે છે?
- શું તમારા દાંતની વચ્ચે જગ્યા છે?
- શું તમારા દાંત આડાઅવળા, દોઢે ચડેલા છે?
- શું તમારા દાંતનો સફેદ કલર પીળો થતો જાય છે?
- શું તમારા દાંત પર પ્લાક, છારી કે પાનમસાલાના ડાઘાને કારણે ગંદા દેખાય છે?
- શું કોઈ દાંત તૂટેલો છે અથવા તેમાં તિરાડ છે?
- શું કોઈ દાંતનો આકાર અનિયમિત છે?
- શું કોઈ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરેલો દાંત કાળો પડી ગયો છે?
- શું તમારા કોઈ દાંત છે જ નહીં?
- શું કોઈ દાંત અન્ય દાંતથી ટૂંકો છે?
- શું તમારા રાક્ષસી દાંત એકદમ મોટા અને આગળ લાગે છે?
- શું હસતી વખતે તમારા પેઢા બહુ વધારે પડતાં દેખાય છે?
- શું તમારા દાંતમાં કોઈ મેટલ (ચાંદી)નું ફીલીંગ કરેલું છે?
- શું તમારા દાંત પર જૂનું કવર લગાડેલું છે, જેનો કલર અને આકાર અન્ય કુદરતી દાંત સાથે મેચ નથી થતું?
- શું તમારા દાંતમાં કોઈ જૂનું ફીલીંગ કરેલું છે જેનો કલર અને આકાર અન્ય કુદરતી દાંત સાથે મેચ નથી થતું?
- શું ફોટો પડાવતી વખતે તમે સહજ રીતે હસી શકો છો કે તમે તમારા દાંતને છુપાવો છો?
- અન્ય લોકોની સમક્ષ દાંત દેખાય તેમ ખૂલીને હસવામાં શરમ અનુભવો છો?
- શું દાંતની હાલતને કારણે તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જતાં ખચકાટ અનુભવો છો?
ઉપરના કોઈ પ્રશ્નનો જવાબ જો હા હોય તો તમારે સ્માઇલ ડિઝાઇન વિષે વિચારવું જોઈએ.
સ્માઇલ ડિઝાઇનની સારવારમાં શું કરવામાં આવે?
સ્માઇલ ડિઝાઇનમાં એક અથવા એક કરતાં વધારે ડેન્ટલ ટ્રીટમેન્ટ
દ્વારા કલાત્મક રીતે સુંદર, સુરેખ અને સફેદ કુદરતી લાગે તે રીતે સ્મિતને આકર્ષક
બનાવવામાં આવે છે. સ્માઇલ ડિઝાઇનની ચોક્કસ ટ્રીટમેન્ટના વિવિધ વિકલ્પો કેટલીક બાબતો
પર આધાર રાખે છે. જેમ કે તમને તમારા સ્મિતમાં શું ખામી જણાય છે, તમારી અપેક્ષા શું
છે, તમારું વ્યક્તિત્વ, તમારા દાંતનો કલર, ગોઠવણી, આકાર, પેઢાની
તંદુરસ્તી.
કેટલાક સ્માઇલ ડિઝાઇનમાં માત્ર દાંત સફેદ કરવાની સારવાર
(બ્લીચિંગ)થી સંતોષજનક પરિણામ મેળવી શકાય છે.
કેટલાક સ્માઇલ ડિઝાઇનમાં ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટથી વાંકાચૂકા
કે આગળ પડતા દાંતને સીધા કરવાથી સારવાર થઈ શકે છે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ
બ્રેસીસ કે Invisalign અલાઇનરથી કરવામાં આવે છે.
સ્માઇલ ઝોનમાં ગુમાવેલા દાંતની જગ્યાએ ઈમ્પ્લાન્ટ અથવા
બ્રિજથી નવા દાંત મૂકી શકાય.
હસતી વખતે જો પેઢા વધારે પડતાં દેખાતા અથવા અનિયમિત હોય તો
પેઢાની સર્જરી કરીને તેને યોગ્ય દેખાય તે રીતે આકાર આપી શકાય.
દાંતની વચ્ચે જગ્યાઓ હોય તો તેને બ્રેસીસ કે Invisalign અલાઇનરથી દાંત ખસેડીને જગ્યા બંધ કરી શકાય છે. બીજી રીતે દાંત પર સિરામિક
વિનિયર અથવા કોમ્પોઝિટ વિનિયર આપીને જગ્યા બંધ કરી શકાય.
પ્લાક, છારી કે પાનમસાલાના ડાઘાને કારણે જો સ્માઇલ ખરાબ
લાગતું હોય તો દાંત સાફ કરવાની સારવાર (સ્કેલીંગ) માત્રથી દાંતને ઉજળા અને ચમકદાર
બનાવી શકાય છે.
મોઢામાં જો બધા દાંત હોય જ નહીં તો તો તેમને ફૂલ માઉથ
ઈમ્પ્લાન્ટથી ફીક્સ દાંત અથવા નીકળી શકે તેવું ચોકઠું આપીને ફરીથી સ્માઇલ કરતાં
અને જમતાં કરી શકાય છે.
સ્માઇલ ઝોનમાં આવેલ કોઈ દાંતમાં ઇજા પછી અથવા રૂટ કેનાલ
ટ્રીટમેન્ટ કર્યા પછી દાંત કાળો પડી ગયેલ હોય તો તેમાં વૉકિંગ બ્લીચિંગ અથવા તેના
પર ઝીરકોનીયા કવર કરીને ફરીથી તેનો મૂળ કલર મેળવી શકાય છે.
જો દાંતનો આકાર, કલર, સપાટી કે ગોઠવણી અનિયમિત હોય તો
સ્માઇલ ઝોનમાં આવેલા બધા દાંત પર સિરામિક વિનિયર આપીને સ્માઇલને એકદમ આકર્ષક બનાવી
શકાય છે. સિરામિક વિનિયર સ્માઇલ ડિઝાઇન માટે ખૂબ મહત્વની, અસરકારક
અને પ્રચલિત સારવાર પદ્ધતિ છે. સિરામિક વિનિયરથી પીળા દાંતનો કલર એકદમ સફેદ અથવા
જોઈતો હોય એટલો સફેદ રાખી શકાય છે, ઘસાઈ ગયેલા, તૂટી ગયેલા દાંતનો આકાર સુંદર લાગે
તે રીતે બદલી શકાય છે.
ડિજિટલ સ્માઇલ ડિઝાઇન એટલે શું અને તે કેવી રીતે કરવામાં આવે છે?
જેવી રીતે કોઈ બિલ્ડિંગ બનાવવું હોય તો, કેમ, પહેલા તેની જમીનની માપ સાઇઝ લઈને નકશો તૈયાર કરવામાં આવે, જુદાજુદા 3D મોડેલનું કોમ્પ્યુટર પર પ્લાનિંગ કરવામાં આવે. બિલ્ડિંગ બન્યા પહેલા જ કમ્પ્યુટર પર આપણે તેના પ્રિવ્યૂ દ્વારા જોઈ શકીએ કે બિલ્ડિંગ બન્યા પછી કેવું લાગશે. પસંદગી અને જરૂરિયાત પ્રમાણે જે કઈ જરૂરી સુધારાવધારા કરવા હોય તે આપણે કરાવી શકીએ. એવી જ રીતે સ્માઇલ ડિઝાઇન પણ કોમ્પ્યુટર પર કરી શકાય અને સ્માઇલ ડિઝાઇનની સારવાર કરતાં પહેલા જ આપણે સ્માઇલ ડિઝાઇન ટેસ્ટ ડ્રાઇવ દ્વારા સારવાર પછી કેવું અને કેટલું પરિણામ મળશે તે જોઈ શકાય તેમજ અનુભવી પણ શકાય છે.
ડિજિટલ સ્માઇલ ડિઝાઇન કરવા માટે નીચે મુજબ ક્રમાનુસાર સ્ટેપ
કરવામાં આવે છે.
શરૂઆતનું વ્યાપક મૂલ્યાંકન
આ સ્ટેપમાં દાંત સહિત સમગ્ર મોઢું, લીપ લાઇન, સ્માઇલ લાઇન
અને ચહેરાનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજે છે.
બોલતી વખતે, સ્માઇલ કરતી વખતે, ખડખડાટ હસતી વખતે કેટલા પ્રમાણમાં દાંત અને પેઢા
દેખાય છે, તે જોવામાં આવે છે. તેના માટે અલગ અલગ એંગલ અને મુદ્રામાં ફોટોગ્રાફી અને
વિડીઓગ્રાફી કરવામાં આવે છે. ઇન્ટ્રાઓરલ સ્કેનર દ્વારા બધા દાંતને 3D ડિજિટલ સ્કેન કરવામાં આવે છે. દરેક દાંતની સઘન તપાસ એક્સ-રે
સાથે કરવામાં આવે છે.
ડિજિટલ સ્માઇલ ડિઝાઇન (DSD)
દાંતના ડિજિટલ સ્કેન ડેટા, ફોટોગ્રાફી, વિડીઓગ્રાફીથી કોમ્પ્યુટર અને ખાસ આધુનિક CAD(computer assisted design) સોફ્ટવેરની મદદથી એનાલિસિસ કરી સ્માઇલ ડિઝાઇનના અલગ અલગ શકાય હોય તેટલા પ્લાન વિચારી શકાય છે અને દરેક પ્લાન માટે દર્દી સાથે પણ તેની શકાય પરિણામ, જરૂરી સારવાર, સારવારમાં લાગતો સમય અને ખર્ચ બાબતે ચર્ચા કરી શકાય. અને દર્દીની અપેક્ષા, જરૂરિયાત, સમય અને બજેટ મુજબ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકાય. ડિજિટલ સ્માઈલ ડિઝાઇનનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે સારવાર કરતાં પહેલા વર્ચ્યુઅલ પ્રિવ્યુ દ્વારા જાણી શકીએ કે સારવાર કર્યા પછી સ્માઇલ કેવું લાગશે. સ્માઇલ ડિઝાઇન કરતી વખતે દર્દીની બોડી હાઇટ, ચહેરાનો આકાર, ચહેરાની સાઇઝ, સ્કીનનો કલર, વ્યક્તિત્વ, ઉંમર, અત્યારના દાંતનો આકાર, કલર, ગોઠવણી ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
ટ્રીટમેન્ટ પ્લાનિંગ
દર્દીની અપેક્ષા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમગ્ર
મૂલ્યાંકન અને ડિજિટલ સ્માઇલ ડિઝાઇનનું એનાલિસિસ કરવામાં આવે છે અને તે મુજન તેના
માટે કસ્ટમાઈઝ સ્માઇલ ડિઝાઇન પ્લાન કરવામાં આવે છે. સ્માઇલ ડિઝાઇનની સારવારમાં
સિરામિક વિનિયર, ક્રાઉન, ઓર્થોડૉન્શિયા, બ્લીચિંગ વગેરે જેવી સારવારનો જરૂરિયાત
પ્રમાણે સમાવેશ કરવામાં આવે છે.
સ્માઇલ ટેસ્ટ ડ્રાઇવ
જેવી રીતે કાર ખરીદતા પહેલા કારને જાતે ચલાવીને ટેસ્ટ ડ્રાઇવનો અનુભવ લેવામાં આવે છે, તેવી જ રીતે આધુનિક ટેકનોલોજીના આશીર્વાદથી સ્માઇલ ડિઝાઇનની સારવાર કરાવતા પહેલા પણ તેનો અનુભવ લઈ શકાય છે. સ્માઇલ ટેસ્ટ ડ્રાઇવ માટે ખાસ ટેમ્પરરી પ્લાસ્ટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્માઇલ ટેસ્ટ ડ્રાઇવનો અનુભવ કરીને આપ જોઈ શકો છો કે સારવાર કરાવ્યા પછી નવું સ્માઇલ કેવું લાગશે. પ્લાનિંગમાં જો તમને કોઈ સુધારા વધારાની જરૂર લાગતી હોય તો આ પ્લાસ્ટિક મટિરિયલમાં તુરંત જ ફેરફાર કરીને તેનું અંદાજીત અંતિમ પરિણામ જોઈ શકાય છે.
સારવારનો અમલ
એક વખત દર્દી અને ડૉક્ટર દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન ફાઇનલ થઈ જાય એટલે કે કઈ અને કેટલી પદ્ધતિની સારવાર થશે, કેટલી વિઝિટ થશે, કેટલો સમય લાગશે અને કેટલો ખર્ચ થશે, ત્યારબાદ સારવારની જુદીજુદી પદ્ધતિ અને મટિરિયલનો ઉપયોગ કરીને ક્રમબદ્ધ રીતે સ્માઇલ ટ્રાન્સફૉર્મ કરવામાં આવે છે. કેસની જટિલતા પ્રમાણે તેમાં ઘણી બધી વિઝિટ અને ઘણો બધો સમય લાગી શકે છે.
નિયમિત ચેક-અપ અને જાળવણી
સારવાર બાદ નિયમિત ચેક-અપ અને જાળવણી દ્વારા તમારા આકર્ષક સ્મિતને લાંબા સમય સુધી જાળવી રાખવામાં આવે છે.
શું કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે?
અગાઉના સમયમાં કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ હોવાને કારણે માત્ર ફિલ્મોના હીરો –હીરોઇન કે અતિ ધનાઢ્યો લોકોની જ પહોંચમાં હતી. આધુનિક ટેક્નોલોજીને કારણે હવે કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટ સામાન્ય લોકોને પણ પરવડે છે. પહેલાના સમયના લોકો કરતાં આજના લોકો પોતાના સ્વાસ્થ્ય, સ્માઇલ, દેખાવ અને વ્યક્તિત્વ માટે વધારે સભાન થયા છે. કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટનો ખર્ચ સારવારના પ્રકાર, જટિલતા અને ઉપયોગમાં લેવાતા મટિરિયલ પર આધારિત હોય છે.
કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી દાંત સેન્સિટિવ થઈ જાય છે, એ સાચું છે?
આધુનિક ટેકનોલોજી અને મટિરિયલને કારણે દાંતના બંધારણમાં નહિવત ફેરફાર કરવાની જરૂર પડે છે. સારવાર પછી દુ:ખાવો કે સેન્સિટીવીટીની ફરિયાદ મહદઅંશે રહેતી નથી. કેટલાક કેસોમાં, ટ્રીટમેન્ટ બાદ તુરંત જ હળવી સેન્સિટિવિટી અનુભવાય છે, ખાસ કરીને ટીથ વ્હાઈટનિંગ બાદ. જે થોડા દિવસોમાં જ ઘટી જાય છે. જો યોગ્ય રીતે અને અનુભવી ડેન્ટિસ્ટ દ્વારા સારવાર કરવામાં આવે, તો લાંબા ગાળે કોઈ સ્થાયી સેન્સિટિવિટી સર્જાતી નથી.
શું સ્માઇલ ડિઝાઇનની સારવાર અમુક ઉંમર સુધી જ કરાવી શકાય?
તમને શું લાગે છે, હસવા માટે શું કોઈ વયમર્યાદાની જરૂર છે? નહીં ને. સ્માઇલ ડિઝાઇનની સારવાર કોઈ પણ ઉંમરની વ્યક્તિ જરૂરિયાત અને મૌખિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરાવી શકે.
સ્માઇલ ડિઝાઇનની સારવાર કેટલો સમય સુધી ટકે છે?
સ્માઈલ ડિઝાઇનના પરિણામોની ટકાઉપણું સારવારના પ્રકાર અને
ત્યારબાદની જાળવણી પર આધારિત છે. સ્માઇલ ડિઝાઇન કરવા અલગ અલગ ડેન્ટલ ટ્રીટમેન્ટ,
મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે દાંત સફેદ કરવાની સારવાર બ્લીચિંગની અસર
આશરે પાંચ વર્ષ જેવી રહે છે. સિરામિક વિનિયર આશરે 15 વર્ષ સુધી કામ આવી શકે.
સારવાર કરાવ્યા પછી દાંતની જો યોગ્ય માવજત કરવામાં આવે અને નિયમિત ચેક અપ કરાવતા
રહેવામાં આવે તો સ્માઇલ ડિઝાઇનનું પરિણામ લાંબો સમય જાળવી શકાય છે.