દાંત કે દાઢમાં દુ:ખાવો/કળતર થાય છે? તાત્કાલિક રાહત માટે શું કરશો?


 

દાંતનો દુ:ખાવો/પેઢાનો દુ:ખાવો

દાંતમાં દુ:ખાવો થવાના કારણો

દાંતના દુ:ખાવાના પ્રકાર

દાંતના દુખાવાનો ઉપાય અથવા સારવાર  

દાંતનો દુ:ખાવો કેવી રીતે અટકાવવો

દાંતના દુ:ખાવાને કેવી રીતે અટકાવશો

દાંતમાં અસહ્ય દુ:ખાવો ઉપડે તો ઇમરજન્સી વખતે શું કરવું

દાંતમાં અસહ્ય દુ:ખાવો ઉપડે તો ઇમરજન્સી વખતે ઘરગથ્થું ઉપાય તરીકે શું કરશો?

દાંતમાં દુ:ખાવા માટે સચોટ ઉપાય


immediate relief form toothache



દાંતનો દુ:ખાવો/પેઢાનો દુ:ખાવો 

દાંતનો દુ:ખાવો જો ઉપડે તો તે એક ખૂબ જ અસહ્ય અને પીડાદાયક અનુભવ હોઈ શકે છે. આ એક સિગ્નલ છે કે દાંત અથવા તેની આસપાસ કંઈક ગરબડ છે. આ દુ:ખાવો હળવો હોય, ઝણઝણાટી હોય, તીવ્ર હોય કે સટકાં મારતો હોય, દાંતમાં દુખાવાના મૂળ કારણને જાણવું અને તેને કેવી રીતે મટાડવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહી આપણે દાંતમાં થતાં દુખાવાના કારણો, પ્રકાર, સારવાર અને તેને અટકાવવાના ઉપાયો અને ઇમરજન્સી સ્થિતિમાં શું કરવું તે અંગે ચર્ચા કરીશું.

 

દાંતમાં દુ:ખાવો થવાના કારણો

ઘણા બધા કારણોસર દાંતમાં દુખાવો ઉપડી શકે છે. મુખ્ય કારણો નીચે મુજબ છે. 

દાંતનો સડો 

દાંતમાં સડો દુ:ખાવાનું મુખ્ય કારણ છે. બેક્ટેરિયા દ્વારા થતો આ સડો જો એનેમલ અને ડેન્ટિનમાંથી પસાર થઈને જયારે પલ્પ સુધી પહોંચે છે, ત્યારે હળવાથી તીવ્ર દુ:ખાવો થાય છે. મોટા ભાગના કેસમાં ઉપડતો આ દુ:ખાવો શરૂઆતમાં હળવો હોય છે, જો સમયસાર યોગ્ય પગલાં લેવામાં ન આવે તો દુ:ખાવાની તીવ્રતા વધતી જાય છે. દાંતના સડા વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો. 

પાયોરિયા (પેઢાનો રોગ)

પેઢાંમાં થતાં ઇન્ફેકશનને કારણે પેંઢા પર સોજા આવે છે, તેને કારણે તેની આસપાસના દાંતમાં દુ:ખાવો અનુભવાય છે. પાયોરિયા વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો. 

દાંતમાં રસી (ફોડકી, ફોલ્લી) 

બેક્ટેરિયા દ્વારા દાંતમાં કે પેઢાંમાં થતાં ઇન્ફેકશનને કારણે દાંતની સાઈડમાં પરુ દબાણ સાથે ભેગું થાય તો તેને કારણે ખૂબ જ તીવ્ર દુ:ખાવો થઈ શકે છે. 

દાંતમાં ઇજા

દાંત પર ઇજાને કારણે જો દાંત તૂટી જાય અને તેને કારણે તેની અંદર રહેલી નસ (પલ્પ) ખૂલી જાય તો આ પલ્પ ખૂબ જ સેન્સિટિવ હોય છે, તેને હવા કે પાણી પણ અડે તો ખૂબ જ દુ:ખાવો થાય છે. ઇજાને કારણે દાંત તૂટે નહીં પણ તેને ધક્કો કે થડકો લાગે તો પણ દાંતની નસ અથવા પેરિયોડોન્ટલ ફાઈબરને નુકશાન થવાથી દાંતમાં દુ:ખાવો થાય છે. દાંતની ઇજા વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો. 

દાંત કચકચાવવા (બ્રક્સિઝમ)

ઉંધ દરમિયાન દાંત કચકચાવવાની ટેવથી દાંત ઘસાય છે, તેને કારણે દાંત સેન્સેટિવ થાય છે, દાંત ઘસાતા ઘસાતા જો દાંતની નસ ખૂલી જાય તો તેનો દુ:ખાવો ખૂબ જ તીવ્ર હોય છે. આવી ટેવથી જડબાના સ્નાયુઓ પણ  થાકીને દુ:ખાવો કરવા લાગે છે. 

ડહાપણ દાઢ

જયારે જડબામાં ડહાપણ દાઢ માટે પૂરતી જગ્યા નથી મળતી ત્યારે તે જેમ અને જ્યાં જગ્યા મળે તેમ આડી ઊગે છે અથવા જડબાના હડકામાં ફસાઈ જાય છે. તેથી ડહાપણ દાઢની આસપાસ પેઢાંમાં પોકેટ બને છે. વ્યવસ્થિત સફાઇ ના થવાને કારણે, સડાને કારણે અથવા પોકેટમાં ઇન્ફેકશનને કારણે ડહાપણ દાઢમાં મધ્યમથી તીવ્ર દુખાવો થાય છે. ડહાપણ દાઢ વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો 

સાઇનસ ઇન્ફેક્શન

ઘણીવાર શરદી પછી થતાં સાઇનસ ઇન્ફેક્શનને કારણે સાઇનસમા દબાણ વધી જાય છે તેને કારણે ઉપરના દાંત સેન્સેટિવ અથવા દુ:ખવા લાગે છે. 

ક્ષતિગ્રસ્ત ફીલીંગ

કોઈ કારણોસર જો દાંતમાં પહેલા કરેલું ફીલીંગ નીકળી ગયું હોય અથવા લીકેજ થઈ ગયું હોય તેને કારણે દાંતની નસ ખૂલી જાય તો દાંતમાં પીડા થાય છે. 

 

દાંતના દુ:ખાવાના પ્રકાર

જી, હા, દાંતમાં થતી પીડા અલગ અલગ પ્રકારની અને અલગ અલગ તીવ્રતાની હોઈ શકે છે, અને તે દરેક પ્રકાર જુદી ચોક્કસ સમસ્યાઓ તરફ સંકેત કરે છે: 

તીણોઝાટકો મારતો દુ:ખાવો

વો દુખાવો ઊંડા સડી ગયેલા અથવા તૂટી ગયેલા દાંતનો સંકેત આપે છે. 

ધબકારા મારતો/સણકા મારતો દુખાવો

સામાન્ય રીતે રસી થયેલા દાંતમાં આવો દુ:ખાવો થાય છે. તેને કારણે આજુબાજુના તંદુરસ્ત દાંતમાં પણ દુ:ખાવો થતો હોય તેવો ભ્રમ થાય છે. 

ગરમ કે ઠંડાથી થતી સેન્સિટિવિટી

આવી તકલીફ દાંતની ઉપરનું મજબૂત પડ એનેમલને નુકશાન (સડો, ઘસારો) થવાથી થાય છે અથવા પેંઢા નીચે ઉતારી જવાથી થાય છે. દાંતની સેન્સિટિવિટી વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો. 

ચાવતી વખતે પીડા

દાંતમાં તિરાડ પડી હોય, ઊંડો સડો હોય, પાયોરિયા હોય તો જમતી વખતે આવો દુખાવો થઈ શકે છે. આ તૂટી ગયેલા દાંત,  સડો કે કીડ કે ક્ષતિગ્રસ્ત ફીલીંગનું સંકેત હોઈ શકે છે. 

સતત અને અસહ્ય દુખાવો

ગંભીર ઇન્ફેક્શન (રસી)નો સંકેત છે, અને આ સ્થિતિમાં તરત સારવારની જરૂર હોય છે. 

 

દાંતના દુ:ખાવાનો ઉપાય અથવા સારવાર   

દાંતના દુ:ખાવાનો ઉપાય અથવા સારવાર તે કયા કારણોસર થાય છે તેના પર આધારિત છે:

દાંતનો સડો

દાંતમાં સડો કેટલો ઊંડો છે તે મુજબ ફીલીંગ, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કે દાંત કાઢવવાની સારવારની જરૂર પડી શકે છે. દાંતના સડાની સારવાર વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો 

પાયોરિયા (પેઢાનો દુ:ખાવો)

દાંત-પેઢાની સફાઇ, સર્જરી (જે જરૂરી હોય તે મુજબ) અને એન્ટિબાયોટિક્સ અને પેઇન કીલરથી સારવાર કરી શકાય. પાયોરિયાની સારવાર વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો. 

દાંતમાં રસી

નાની સર્જરીથી રસી કાઢવી, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કે દાંત કાઢવો જરૂરી બને છે (જે જરૂરી હોય તે મુજબ યોગ્ય) સારવારથી દુ:ખાવો મટાડી શકાય છે. 

દાંતમાં ઇજા

દાંતમાં થયેલી ઇજા કેટલી ગંભીર છે તે મુજબ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, કોમ્પોઝિટ બિલ્ડ અપ, કવર (જે જરૂરી હોય તે મુજબ) સારવારથી સારું થઈ જાય છે. દાંતની ઇજાની સારવાર વિષે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો. 

દાંત કચકચાવવા (બ્રક્સિઝમ)

નાઈટગાર્ડના ઉપયોગથી દાંતને ઉંધ દરમિયાન થતાં નુકશાનથી બચાવી શકાય છે. 

ડહાપણ દાઢ

ડહાપણ દાઢની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીસ્ટેમિક એન્ટીબાયોટિક અને પેઇનકીલર (ટેબલેટ) અને લોકલ એન્ટીબાયોટિક (ટ્યુબ) અને એન્ટીસેપ્ટિક માઉથવોશથી ડહાપણ દાઢનો દુખાવો કાબૂ કરી શકાય છે. કાયમી ઉપાય તરીકે આડી ફસાઈ ગયેલી ડહાપણ દાઢ સર્જરીથી કાઢી નાખવી જરૂરી બને છે.


દાંતના દુ:ખાવાને કેવી રીતે અટકાવશો

“સારવાર કરતાં સંભાળ ભલી”, ચાણક્ય કહી ગયા છે કે “રોગ અને દૂશમનને ઊગતો ડામવો સારો ”. દાંત-પેઢાંમાં કોઈ રોગ આવતા પહેલા જ અટકાવવા નીચે મુજબની સાવધાની રાખવી જોઈએ.

  • સારું બ્રશ અને સારી ટૂથપેસ્ટથી વૈજ્ઞાનિક પધ્ધતિથી દાંત-પેઢાની યોગ્ય સફાઇ દિવસમાં બે વખત કરવી.
  • ફ્લોરાઈડ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો (જો તમારા એરિયામાં પીવાના પાણીમાં ફ્લોરાઈડની માત્રા પ્રમાણિત માનાંકથી ઓછી હોય).  
  • બે દાંત વચ્ચેની જગ્યામાંથી ખોરાકના કણો અને પ્લાક દૂર કરવા માટે દરરોજ ફ્લોસ કરો.
  • દાંતના ડોક્ટરની દર છ મહિને નિયમિત મુલાકાત લો. નિયમિત ચેક-અપથી દાંત-પેઢાંના રોગો પીડાદાયક બને તે પહેલાં જ નિદાન કરીને તેની યોગ્ય સારવાર કરી શકાય છે. નિયમિતચેક-અપના ફાયદા જાણવા માટે અહી ક્લિક કરો.
  • મીઠો-ગળ્યો અને ચીકણો ખોરાક અને પીણાં ટાળો. આવો ખોરાક દાંતમાં સડો કરી શકે છે.
  • જો તમે રાત્રે તમારા દાંત કચકચાવતા હો તો માઉથગાર્ડનો ઉપયોગ કરો. ચેહરા પર ઇજા થાય એવી જોખમી રમતો રમતા હો તો, માઉથગાર્ડ દાંતની ઇજા અટકાવી શકે છે.
  • રેસાવાળો અને ખનિજતત્વોથી ભરપૂર ખોરાક લો.

દાંતમાં અસહ્ય દુ:ખાવો ઉપડે તો ઇમરજન્સી વખતે શું કરવું

મેડિકલ સ્ટોર પરથી ઓવર ધ કાઉન્ટર મળતી દુ:ખાવાની દવા કિટોરોલ ડિટી, કોમ્બીફલેમ કે વોવેરાન જેવી પેઇનકીલર (પીડાશામક) દવાઓથી તાત્કાલિક અને હંગામી ધોરણે રાહત મેળવી શકાય છે. આવી દવાઓ લેતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. જો શરીરની તાસીર અનુકૂળ ના હોય તો આવી દવાઓથી આડઅસર થવાનું જોખમ રહે છે. (ચોખવટ અને ચેતવણી)

 

દાંતમાં અસહ્ય દુ:ખાવો ઉપડે તો ઇમરજન્સી વખતે ઘરગથ્થું ઉપાય તરીકે શું કરશો? 

  • લવિંગ અથવા લવિંગના તેલનું પોતું મૂકવાથી પણ દાંતની પીડામાં રાહત મળે છે. પણ તેનાથી મોઢામાં ચાંદા પાડવાનું શક્યતા રહે છે.
  • નવશેકા પાણીમાં મીઠું નાખી કોગળા કરવાથી રાહત મળે છે.
  • ગાલ પર બરફનો શેક કરવાથી સોજા અને દુ:ખાવામાં રાહત થાય છે.
  • ભૂલથી પણ ગરમ શેક કરવો નહીં. તેનાથી સોજો આવી શકે છે અથવા ઇન્ફેકશનને કારણે જો સોજો આવી ગયો હશે તો તે વધારે વકરી જશે.
  • તુરંત દાંતના ડૉક્ટરને મળો અને જે કોઈ પણ સમસ્યાને કારણે દાંતમાં પીડા થતી હોય તેની યોગ્ય સારવાર ચાલુ કરાવો.

 

દાંતમાં દુ:ખાવા માટે સચોટ ઉપાય

મોટાભાગના કેસમાં દાંત-પેઢાંમાં થતાં રોગને કારણે શરૂઆતમાં તો હળવો દુ:ખાવો જ હોય છે, યોગ્ય સારવારની જરૂર છે, એવો સંકેત તો પ્રથમથી જ મળતો હોય છે. જેને અવગણવામાં આવે છે અને પીડા અસહ્ય થાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન કરાવાય તો ટૂથએક ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, તેથી જાગૃત રહેવું.

ઇમરજન્સીમાં દાંતમાં અસહ્ય દુ:ખાવો ઉપડે તો આગળ બતાવેલા ઉપાયો ટેમ્પરરી જ કામ આપે છે. આ કોઈ કાયમી ઈલાજ નથી. દેશી ભાષામાં કહીએ તો આ બધા થિગડાં છે અથવા તો થૂંકના સાંધા છે. દુ:ખાવો ઉપડે ત્યારે આ બધા ટેમ્પરરી ઉપાયો દરેક વખતે કામ નથી આપતા અને આપે તો થોડા સમય માટે જ. આવા ઉપાયોથી માત્ર રોગના લક્ષણો જ દબાય છે, અંદરખાને તો રોગ પ્રગતિ જ કરી રહ્યો હોય છે. એટલે સરવાળે તો આવા સલાડ જેવા ઉપાયોથી રોગને વકરવામાં મદદ મળે છે. દાંતની જે બિમારી પહેલા નાની ટ્રીટમેન્ટ, ઓછો સમય અને ઓછી વિઝિટમાં અને ઓછા ખર્ચમાં પતી જાય એમ હોય તે વધારે મોટી, વધારે સમય અને વધારે વિઝિટ માંગે છે અને વધારે ખર્ચાળ બને છે, તેમ છતાં પહેલા જેવુ રિઝલ્ટ તો ના જ થાય. કયા કારણોસર દાંતમાં પીડા થાય છે, તે મુજબ દાંતની યોગ્ય સારવાર જ તેનો કાયમી અને સચોટ ઈલાજ છે.

 

તો પછી, દાંતમાં અસહ્ય દુ:ખાવો ઉપડે તો ઇમરજન્સી વખતે આ બધા ઘરગથ્થું ઉપાયોનો ઉપયોગ ખરેખર, કયારે કરવો જોઈએ?

સ્વાભાવિક પ્રશ્ન એ થવાનો જ છે કે તો પછી આગળ આ બધા ઉપાયો બતાવ્યા શા માટે? બિલકુલ, આ બધા ઉપાયોનો ઉપયોગ ખરેખર ઇમરજન્સી વખતે જ કરવો જોઈએ. જેમ કે અડધી રાત્રે ડૉક્ટર પાસે જઈ શકાય તેમ ના હોય, કયાંક મુસાફરીમાં હોઈએ, ખૂબ જ અગત્યના કામમાં અથવા સારા-માઠા પ્રસંગમાં વ્યસ્ત હો, કોઈ કારણોસર તમારા ફેમિલી દાંતના ડોક્ટરની અપોઇન્ટમેન્ટ તાત્કાલિક મળી શકે તેમ ના હોય, અન્ય ગંભીર બિમારીને કારણે ડેન્ટલ ક્લિનિક પર જઈને યોગ્ય સારવાર કરાવવી મુશ્કેલ અથવા અશકય હોય. 

જેટલી વખત દુ:ખાવો ઉપડે અને દર વખતે ટેમ્પરરી ઘરગથ્થું ઉપાયોથી દુ:ખાવો બેસાડી દેવો, એ આખરે શરીરની તંદુરસ્તી સાથે અને ખિસ્સા સાથે પણ ખીલવાડ છે. દાંતની જે તકલીફમાં યોગ્ય સારવારની જ જરૂર છે, ત્યાં કોઈ પણ જાતની ચમત્કારિક ટૂથપેસ્ટ, હર્બલ દંતમંજન, લવીંગ, હિંગ, ગોળી, બામ, મલમ, કોગળાની દવાઓ, મંત્રો, દોરા કે તાવીજ સચોટ અને કાયમી પરિણામ આપતું નથી. 

તમારી ડેન્ટલ કેર વિશે ચિંતીત અને સક્રિય રહો, નિયમિત ચેક-અપ કરાવો અને દાંતના દુઃખાવાને શરૂ થતાં પહેલા જ અટકાવો.

You may like these posts: