દાંતનો સડો એટલે શું ?
દાંતની આંતરિક રચના
દાંતનો સડો કેવી રીતે થાય છે
દાંતના સડાના લક્ષણો
દાંતના સડાનું જોખમ ક્યારે વધારે હોય છે
દાંતમાં થતો સડો અટકાવવાના ઉપાયો
દાંતનો સડો દૂર કરવાના ઉપાય
એકવાર દાંત સડે એટલે કઢાવવો જ પડે, શું એ સાચું છે?
દાંતના સડાની દવા
દાંતનો સડો એ શરદી પછી થતો સૌથી સામાન્ય રોગ છે. દાંતનો સડો એ મોઢામાં થતો મુખ્ય રોગ છે, જે દાંતના બહારી મજબુત પડ એવા ઈનેમલને ઓગાળીને દાંતને કાયમી નુકશાન પહોચાડે છે. જો તેની યોગ્ય સારવાર સમયસર ન થાય તો બાળ અથવા યુવાન વયે દાંત ગુમાવવાનું સૌથી મોટું કારણ બને છે.
દાંતનો સડો એટલે શું ?
દાંતની કોઈ સપાટીએ દાંતનું ખનીજ બંધારણ ઓગળી જતા પડેલા
ખાડાને દાંતનો સડો કહેવાય. સફેદ કલરના દાંતમાં દાંતનો સડો કાળા કે બ્રાઉન કલરના
ખાડા રૂપે દેખાય છે. શરૂઆતના તબક્કામાં દાંતનો સડો માત્ર ટપકા કે પાતળી લાઈન જેટલો
હોય છે. બે દાંતની વચ્ચેની સપાટીએથી જો સડો હોય તો એવું પણ બને કે સડો દેખાય જ નહિ, અને તેવા સડાની
તપાસ માત્ર એક્ષ-રે દ્વારા જ કરી શકાય છે.
દાંતનો સડો કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. નાના બાળકથી
વૃદ્ધ, સ્ત્રી, પુરૂષ, ગરીબ કે તવંગર, દાંતનો સડો કોઈ
ભેદભાવ રાખતો નથી.
દાંતનો સડો કેમ થાય છે તે જાણવા માટે કેટલાક મુદ્દા સમજવા
જરૂરી છે.
દાંતની આંતરિક રચના
દાંત એ નક્કર તેમજ શરીરમાં સૌથી વધારે મજબુત અંગ છે, પરંતુ દાંતની બરાબર વચ્ચે પોલાણ હોય છે, જેમાં દાંતની નસ(પલ્પ) હોય છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દાંતના બંધારણમાં બે પડ હોય છે. ઈનેમલ અને ડેન્ટીન. ઈનેમલ દાંતની બહારની સપાટી તરફ દેખાતો ભાગ છે, જે માનવશરીરમાં સૌથી મજબુત પેશી છે. ઇનેમલની નીચેનું પડ તેમજ દાંતના મુળીયા ડેન્ટીનના બનેલા હોય છે, જે ઇનેમલ કરતા થોડા નરમ હોય છે. દાંતની બરાબર વચ્ચેના પોલાણમાં દાંતની નસ હોય છે જેને પલ્પ કહેવામાં આવે છે. જેનું કાર્ય દાંતની સંવેદના જાળવવાનું તેમજ તેને પુરવઠો પહોચાડવાનું છે.
દાંતનો સડો કેવી રીતે થાય છે
દાંતની કોઈ સપાટીએ દાંતનું ખનીજ બંધારણ ઓગળી જતા પડેલા
ખાડાને દાંતનો સડો કહેવાય, પણ આ થાય
છે કેવી રીતે?
આપણા મોઢામાં કેટલીક જાતના બેક્ટેરિયા એસીડ બનાવે છે, જે દાંતના ખનીજ બંધારણને ઓગાળી નાખે છે. બેક્ટેરિયા આપણી જેમ જ જીવ છે. જેમ આપણે ખોરાક લઈએ છીએ અને નકામાં પદાર્થોનું મળ દ્વારા ઉત્સર્જન કરીએ છીએ તેવી જ રીતે દાંતના સડા માટે જવાબદાર બેક્ટેરિયા (સ્ટ્રેપ્ટોકોક્સ મ્યુટન્સ અને એસીડોફીલસ લેક્ટોબેસીલાઈ) ખોરાક તરીકે શર્કરાનો ઉપયોગ કરે છે અને નકામા પદાર્થ તરીકે એસીડનું ઉત્પાદન કરે છે, જે દાંતના ખનીજ બંધારણને ઓગાળી નાખે છે અને દાંતમાં સડો કરે છે.
દરેકના મોઢામાં સામાન્ય રીતે અસંખ્ય બેક્ટેરિયાઓ હોય છે. જો તમે તમારા મોઢાની વ્યવસ્થિત સફાઈ ન કરો તો દાંતની ઉપર પીળાશ પડતું છારીનુંમાં પડ જામે છે જેને ડેન્ટલ પ્લાક કહેવાય, જેનો બેક્ટેરિયાના સમુહો કોલોની તરીકે ઉપયોગ કરે છે અને વંશવૃદ્ધિ કરી પોતાની સંખ્યામાં અનેકગણો વધારો કરે છે. આ ડેન્ટલ પ્લાક માત્ર બેક્ટેરીયાને ઘર પૂરું પડતા નથી પણ તેમણે ઉત્પન્ન કરેલ એસિડને દાંતની સપાટી સાથે સંપર્કમાં રાખે છે. આ એસીડ દાંતના ખનીજ બંધારણને ઓગાળી નાખે છે અને દાંતમાં સડો શરૂ કરે છે.
દાંતનો સડો એક જ વખતમાં નથી થતો, તેનો ક્રમિક વિકાસ
થતા કેટલાક મહિના કે વર્ષ લાગે છે,
તેનો આધાર ડેન્ટલ પ્લાકની ઉંમર,
તેમાં રહેલા બેક્ટેરિયાઓનો પ્રકાર,
ખોરાકનો પ્રકાર અને ખાનપાનની ટેવ પર
રહેલો છે. મીઠી તેમજ ચીકણી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ દાંતના સડાના વિકાસને ઝડપી
બનાવે છે.
દાંતના સડાના લક્ષણો
દાંતના સડાના શરૂઆતના તબક્કામાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી. કયારેક દાંતમાં સડાને કારણે પડેલી કેવીટીમાં ખોરાક ફસાવાની સમસ્યા રહે છે. દાંત સંવેદનશીલ થઈ શકે છે, જે દરેક કેસમાં થાય જ એવું જરૂરી નથી. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જયારે દાંતનો સડો ઇનેમલ અને ડેન્ટીનને ખોતરી પલ્પ સુધી પહોચે ત્યારે જ દુખાવો થાય છે જે ઘણી વખત અસહ્ય અથવા કયારેક આશ્ચર્યજનક રીતે બિલકુલ થતો નથી. દાંતમાં સડો થયેલ હોય અને જો તેમાં કોઈ જાતનો દુખાવો ન થતો હોય તો પણ તેની સારવાર કરાવવી ઇચ્છનીય છે.
એક વખત દાંતમાં સડો થાય પછી જયા સુધી સારવાર દ્વારા સડાને સંપૂર્ણપણે દુર ન કરાવો ત્યાં સુધી તે કયારેય અટકતો નથી અને ધીમે ધીમે ક્રમશ: ઊંડોને ઊંડો ઉતરતો જાય છે અને ઊધઈ જેમ લાકડાનો નાશ કરી નાખે તેવી રીતે દાંતના માળખાનો નાશ કરી નાખે છે. દાંત આખો સડી જાય અને છેલ્લે માત્ર તેના અવશેષરૂપ મુળીયા વધે ત્યારે તેમાં મુળીયા કઢાવ્યા સિવાય અન્ય કોઈ સારવારનો વિકલ્પ શકય હોતી નથી. સાચી જાણકારી અને સમયસરની યોગ્ય સારવાર દાંત બચાવવાનો એકમાત્ર વિકલ્પ છે.
જો થોડીક સાવચેતી રાખવામાં આવે અને દાંતના સડાની જરૂરી
સારવાર સમયસર કરાવી લેવામાં આવે તો દાંતને વધુ સડતો અટકાવી શકાય અને દાંતને
ચોક્કસપણે બચાવી શકાય.
દાંતના સડાનું જોખમ ક્યારે વધારે હોય છે
- સતત મીઠો તેમજ ચીકણો ખોરાક જેમકે ચોકલેટ, ગોળ, આઈસ્ક્રીમ
- નાના બાળકોને ઊંઘમાં પણ દૂધની બોટલ મોઢામાં આપતા હોય. આ કુટેવ ચોકલેટ કરતા પણ વધારે ખતરનાક છે, આવી ટેવને કારણે મોટા ભાગના બાળદર્દીઓના બધા જ દુધિયા દાંત ખૂબ જ ઓછા સમયમાં સડી જાય છે, આ રોગને બોટલ બેબી સિન્ડ્રોમ કહેવામાં આવે છે.
- નિયમિત તેમજ વ્યવસ્થિત બ્રશ ન થતું હોય.
- પીવાના પાણીમાં ફ્લોરાઈડની માત્રા જરૂર કરતા ઓછી હોય.
- દાંતમાં ઊંડા તેમજ સાંકડા ખાડા તેમજ તિરાડો (pit and fissure) હોય, જેમાં ખોરાક ફસાઈ જતો હોય અને બ્રશ દ્વારા સરળતાથી સાફ થઇ શકતો ના હોય.
દાંતમાં થતો સડો અટકાવવાના ઉપાયો
- મીઠો તેમજ ચીકણો ખોરાક નિયંત્રિત કરો.
- દરેક વખતે જમ્યા બાદ બ્રશ દ્વારા દાંતની વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થિત સફાઈ કરવી.
- ફલોરાઈડયુક્ત ટુથપેસ્ટનો ઉપયોગ કરવો. (ફેમીલી ડેન્ટીસ્ટની સલાહ લેવી)
- જો દાંતમાં ઊંડા તેમજ સાંકડા ખાડા, તિરાડો હોય તો તેને દાંતના ડોક્ટર પાસે ખાસ ફ્લોએબલ કમ્પોઝીટ (પીટ એન્ડ ફીશર સીલન્ટ)થી સીલ કરાવો, જેથી દાંતમાં સડો થાય તેવું વાતાવરણ જ બને નહી. દાંતનો સડો અટકાવવાનો આ સચોટ ઉપાય છે.
- વિટામીન અને ખનીજ તત્વોથી ભરપુર અને રેસાવાળો ખોરાક લો. જયારે દાંતનું નિર્માણકાર્ય થતું હોય (ગર્ભાવસ્થાથી ૧૪ વર્ષ) ત્યારે વિટામીન અને ખનીજ તત્વો (ખાસ કરીને કેલ્શીયમ) દાંતના બંધારણને મજબુતી આપે છે, જે દાંતના સડા સામે જીવનભર રક્ષણાત્મક ફાળો આપે છે. રેસાવાળો ખોરાક બરછટ હોવાથી દાંત સાથે ચોટતો નથી, ઉલટું અગાઉ ખાધેલા ખોરાકના અન્નકણોને કુદરતી રીતે સાફ કરે છે અને સડો થવાની શક્યતાને દુર કરે છે.
- દર છ મહિને તમારા દાંતની તબીબી તપાસ કરાવો, જેથી કોઈ દાંતમાં સડાના પ્રાથમિક ચિહ્નો ધ્યાનમાં આવે તો તેને યોગ્ય સારવાર દ્વારા ત્યાજ અટકાવી શકાય અને વધુ નુકશાન નિવારી શકાય.
દાંતનો સડો દૂર કરવાના ઉપાય
દાંતનો સડો દાંતમાં કેટલો ઊંડો છે, એટલે કે સડો કયા
તબક્કામાં છે, તે મુજબ
તેનું દાંતની તબીબી તપાસ અને એક્સ-રે થી નિદાન કર્યા પછી તેની સારવાર થાય. જો
દાંતનો સડો ઈનેમલ કે ડેન્ટીન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પ (દાંતની નસ) ને
કોઈ નુકસાન થયું ન હોય તો દાંતમાંથી સડો દૂર કરીને માત્ર કોમ્પોઝીટ ફીલીંગથી
દાંતને બચાવી શકાય છે. પણ જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોચી ગયેલ
હોય તો તેવા કેસમાં દાંત બચાવવા મૂળિયાની સારવાર (રૂટ કેનાલ ટ્રીટમેન્ટ) જરૂરી બને
છે. મોટા ભાગના કેસમાં જો સમયસર સારવાર કરવામાં આવે તો સડેલા દાંતને યોગ્ય સારવાર
દ્વારા બચાવી શકાય છે.
એકવાર દાંત સડે એટલે કઢાવવો જ પડે, શું એ સાચું છે?
ના, આ એક જૂની ગેરમાન્યતા છે કે દાંત સડે એટલે કઢાવવો જ પડે. અત્યારના આધુનિક સમયમાં ફીલીંગ અથવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટથી દુ:ખતા, સડેલા દાંતને જો સમયસર અને યોગ્ય સારવાર મળે તો બચાવી શકાય છે, અને તે ફરીથી લાંબા સમય માટે કોઈ પણ જાતની તકલીફ વગર તંદુરસ્ત દાંતની જેમ જ કામ આપે છે. યાદ રાખો, કુદરતી દાંત જ શ્રેષ્ઠ છે, તમારો કુદરતી દાંત જેટલું અને જેવુ કામ આપશે એટલું કામ કયારે ય નકલી દાંત આપી શકે નહીં. કુદરતી દાંત ગમે એટલો દુ:ખતો હોય, જો એ સારવારથી બચી શકે તેમ હોય તો એ વિકલ્પ જ પસંદ કરવો જોઈએ. કુદરતી દાંત કઢાવીને એની જગ્યાએ બ્રિજ કે ઈમ્પ્લાન્ટ કરવો હમેશા આર્થિક રીતે પણ વધારે ખર્ચાળ હોય છે અને તેમ છતાં કુદરતી દાંત જેવુ તો ન જ થાય.
દાંતના સડાની દવા
સડેલા દાંતમાં દુખાવો થાય તો થોડા સમય માટે દુ:ખાવાની દવા
લેવાથી કદાચ હંગામી ધોરણે રાહત મેળવી શકાય. બાકી દાંતના સડાની એવી કોઈ ચમત્કારીક દવા,
ટૂથપેસ્ટ કે દંતમંજન હજી સુધી અસ્તિત્વમાં નથી કે જે તમે ખાઓ કે દાંત પર લગાડો અને
દાંતનો સડો કાયમને માટે જડમૂળથી નાબૂદ થઈ જાય. સત્ય હકીકત તો એ જ છે કે, દાંતમાં એકવાર સડો
ચાલુ થઈ જાય અને જો તમે તમારા કુદરતી દાંતને બચાવવા માંગતા હો તો એમાં દાંતના ડૉક્ટર
પાસે જઈને સડો સાફ કરાવવો જ પડે, ત્યારબાદ યોગ્ય સારવાર (ફીલીંગ અથવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ
+ કેપ) થી જ એની ચાવવાની કાર્યક્ષમતા પુન:સ્થાપિત કરવી પડે. અન્યથા દુ:ખાતા દાંતને
જો દવાથી જ મટાડયા રાખશો તો ભવિષ્યમાં દાંત ગુમાવવાની તૈયારી રાખવી. દુ:ખાવાની દવા
ખાયે રાખવાથી માત્ર રોગનું લક્ષણ જ દબાયેલું રહેશે, પણ રોગ તો સમય સાથે આગળ વધતો જ
જશે. સડેલા દુ:ખાતા દાંતને દવાથી મટાડયા રાખવું દાંત તેમજ સંપૂર્ણ શરીરની તંદુરસ્તી
માટે જોખમી છે.
કોઈ વ્યસન નથી,
બે ટાઇમ બ્રશ કરું છું છતાં મારા દાંત કેમ સડે છે?
મારું બાળક ચોકલેટ નથી ખાતુ, છતાં તેના દાંત કેમ સડે છે?