દાંત ઉપરના ક્રાઉન (કેપ,કવર,ટોપી) શું છે?
દાંત ઉપર કવરની જરૂર ક્યારે પડે?
દાંત ઉપરના કવર કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે?
દાંતના કવરની સારવાર કેવી રીતે થાય?
દાંત પર કવર કરવાના શું ફાયદા છે?
દાંત ઉપરના ક્રાઉન (કેપ,કવર,ટોપી) શું છે?
ડેન્ટલ ક્રાઉન (કવર) એ તૂટેલા, સડી ગયેલા, એકદમ ઘસાઈ ગયેલા અથવા મોટા ફીલીંગને કારણે નબળા પડી ગયેલા દાંત પર લગાડવવામાં આવતા ધાતુ કે સિરામિકનું મજબુત આવરણ છે.
ક્રાઉન દાંત ઉપર ફીટ થઈ જાય છે અને તેને હેલ્મેટની જેમ મજબુતાઈ તેમજ મૂળ આકાર આપે છે.
દાંત ઉપર કવરની જરૂર ક્યારે પડે?
- મોટા ફિલીંગને કારણે દાંત નબળો પડી ગયેલ હોય ત્યારે તેને મજબૂતી આપવા માટે,
- સડી ગયેલા દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કર્યા પછી જો દાંતનો ઢાંચો નબળો પડી ગયેલ હોય તો તેને મજબૂતી આપવા માટે
- આગળનો દાંત અથવા તેમાં કરેલા ફીલીગનો રંગ ખરાબ થઇ જવાને કારણે જો દાંત સારો ના લાગતો હોય તો તેનો દેખાવ સુધારવા માટે,
- એકદમ ઘસાઈ ગયેલા દાંતને ફરીથી મૂળ આકાર આપવા તેમજ તેની ચાવવાની કાર્યક્ષમતા પુન:સ્થાપિત કરવા માટે.
- અકસ્માતે દાંતનો સારો એવો ભાગ તૂટી ગયો હોય તો તેને પાછો મૂળ આકાર આપવા માટે
દાંત ઉપરના કવર કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે?
દાંત પર લગાડવવામાં આવતી કેપ વિવિધ જાતના મટીરીયલની બનાવેલી હોઈ શકે છે જેમ કે,
સિરામિક (પોર્સેલીન): જે એકદમ કુદરતી તેમજ આકર્ષક લાગે છે. સિરામિક કેપ બનાવવાની પદ્ધતિ, તેમાં વપરાતા
મટીરીયલના પ્રકાર અને મેન્યુફેક્ચરીંગ કંપની પ્રમાણે તેમાં પણ ઘણા પ્રકારની કેપ
હોય છે. જેમ કે કેડ-કેમ પી.એફ.એમ., ડી.એમ.એલ.એસ. પી.એફ.એમ., લીથીયમ ડાઈસીલીકેટ
ઝીરકોનીયા: ઝીરકોનીયા દાંત જેવા જ કલરની ખૂબ જ મજબૂત મેટલ છે.
કોબાલ્ટ ક્રોમ (નોન-પ્રેસિયસ મેટલ): તે ખુબ જ મજબુત હોય છે, તેનો રંગ સ્ટીલ જેવો હોય છે, ખાસ કરીને પાછળની દાઢ માટે ઉપયોગી થાય છે. જે સામાન્ય રીતે દેખાતા નથી. ડી. એમ. એલ. એસ ફૂલ મેટલ
ગોલ્ડ (પ્રેસિયસ મેટલ): સામાન્ય રીતે ૧૪ થી ૧૮ કેરેટ સાચા સોનામાંથી દાંતની
કેપ બનાવવામાં આવે છે. સારું એવું ખર્ચાળ થાય.
રેઝિન: મોટે ભાગે ટેમ્પરરી કેપ માટે ઉપયોગમાં લેવાય છે.
દાંતના કવરની સારવાર કેવી રીતે થાય?
દાંત પર કેપ લગાડવવા માટે દાંતને ખાસ આકાર આપવામાં આવે છે જેમાં દાંતની બહારની સપાટી પરથી કેપની જાડાઈ જેટલો ભાગ ચોકસાઇપૂર્વક દુર કરવામાં આવે છે. દાંતને એવી રીતે આકાર આપવામાં આવે છે કે જેથી કેપ લગાવ્યા પછી દાંતનો મૂળ આકાર જળવાઈ રહે. દાંતને યોગ્ય આકાર આપવાની આ વિધિ સારવારનો ખુબ જ મહત્વનો ભાગ છે. દાંતને યોગ્ય આકાર આપ્યા પછી દાંતની છાપ (ઈમ્પ્રેસન,માપ) લેવામાં આવે છે. હવે તો આધુનિક ડિજિટલ પધ્ધતિથી બંને જડબાના દાંતનું સ્કેન કરી ડિજીટલ ઇમ્પ્રેશન લેવામાં આવે છે, જેમાં રબર જેવા મટિરિયલથી ઇમ્પ્રેશન લેવાની જરૂર રહેતી નથી. આધુનિક ઇન્ટ્રાઓરલ સ્કેનરની મદદથી બનાવેલા પ્રોસ્થેસીસ એકદમ પરફેક્ટ બને છે. દાંતનો કલર નોધવામાં આવે છે. ત્યારબાદ આ સ્કેન કરેલ ડેટા ઓનલાઇન ડેન્ટલ લેબમાં મોકલવામાં આવે છે, જયાં આ કોમ્પુટર સોફ્ટવેરની મદદથી ડિઝાઇન કરીને ઓટોમેટિક મશીનમાં કેપ બનાવવામાં આવે છે. તેમ છતાં હજુ પણ કેટલાક ક્લિનિકમાં જૂની પદ્ધતિ પ્રમાણે રબર જેવા મટિરિયલથી ઇમ્પ્રેશન લેવામાં આવે છે અને લેબમાં પેટર્ન બનાવીને કાસ્ટિંગથી કેપ બનાવવામાં આવે છે. પાંચ થી સાત દિવસમાં કેપ તૈયાર થઇ ગયા પછી ખાસ જાતની સિમેન્ટની મદદથી કેપને દાંત સાથે ચોટાડવામાં આવે છે. આ સારવાર માટે ઓછામાં ઓછી બે મુલાકાત લેવી પડે. આ સારવારમાં કોઈ દુખાવો થતો નથી. જો તમારા દાંત વધારે પડતા સંવેદનશીલ હોય તો જ લોકલ એનેસ્થેસિયા (ખોટું કરવાનું ઈન્જેક્સન) આપીને આ સારવાર આરામદાયક રીતે કરી શકાય છે.
કેપ લગાવ્યા પછી દાંતના આકારમાં નહિવત ફેરફાર થવાથી, શરુઆતમાં થોડુંક નવું નવું લાગે છે, જે થોડા દિવસોમાં સામાન્ય થઈ જાય છે. જો કેપના કલરને આજુબાજુના બાકી દાંત સાથે યોગ્ય રીતે મેચ કરવામાં આવેલ હોય તો તે બિલકુલ કૃત્રિમ હોય એવું લાગતું નથી.
દાંત પર કવર કરવાના શું ફાયદા છે?
- તૂટેલા, સડી ગયેલા, એકદમ ઘસાઈ ગયેલા દાંતને ફરીથી મૂળ આકાર આપી શકાય છે.
- કેપ મોટા ફીલીંગને કારણે નબળા પડેલા દાંતને મજબૂતી આપે છે અને તેને તૂટી જતો બચાવે છે.
- રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (મૂળિયાની સારવાર) કર્યા પછી મજબૂતી આપે છે
- કેપ દાંતની ચાવવાની કાર્યક્ષમતાને પુન;સ્થાપિત કરે છે
- કેપથી દાંતને સુંદર આકાર અને કલર આપી શકાય છે.