દાંતમાં ઇજાનું પ્રમાણ
દાંતને ઇજા થવાના કારણો
અકસ્માત થાય તો સૌ પ્રથમ
શું કરવું જોઈએ?
અકસ્માતમાં જો દાંત તૂટી થાય તો શું કરવું?
દાંતની ઇજાના પ્રકારો.
દાંતની ઇજાની સારવાર
અકસ્માતમાં જો આખેઆખો દાંત જ નીકળી જાય તો શું કરવું?
દાંતનો કલર ઇજાને કારણે કાળો પડી ગયો હોય અને દુ:ખતો ના હોય
તો પણ તેની સારવાર કરાવવી શું જરૂરી છે?
દાંતમાં ઇજાનું પ્રમાણ અને દાંતને ઇજા થવાના કારણો
દાંતની ઈજા કોઈ
પણ ઉંમરે થઇ શકે છે. છતાં પણ બાળકની ૨ થી ૫ વર્ષની ઉંમર દરમિયાન જયારે તે ચાલતા કે
દોડતા શીખે ત્યારે વારંવાર પડી જવાને કારણે દુધિયા દાંતને ઈજા થાય છે, તે ઉપરાંત ૮ થી ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન
રમતના મેદાનમાં કે સ્કૂલમાં કાયમી દાંતને ઈજા થયાનું પ્રમાણ વધારે રહે છે. છોકરીઓ
કરતા છોકરાઓમાં ઈજા થવાનું પ્રમાણ વધારે હોય છે. દાંતને થતી ઈજાઓમાં ૮૦% કિસ્સામાં
ઉપરના આગળના દાંત ભોગ બને છે. ઉપરના આગળના દાંત જો પહેલેથી જ આગળ હોય તો
અકસ્માતમાં તેને વધારે ગંભીર ઈજા થવાની શક્યતા રહે છે. અન્ય રીતે દાંતને
ઇજા થવાનું કારણ અકસ્માતે પડી જવું અને વાહન અકસ્માત છે.
અકસ્માત થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ?
અકસ્માત દરમિયાન
જો દર્દીને દાંત ઉપરાંત માથામાં, છાતીમાં કે
શરીરના અન્ય ભાગોમાં ઈજા થયેલી હોય તો દર્દીને સૌપ્રથમ હાડકાના નિષ્ણાંત ડોક્ટર અથવા
ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લઈ જવું જોઈએ. દાંતની ઈજા ક્યારેય જીવલેણ હોતી નથી.
અકસ્માતમાં જો દાંત તૂટી થાય તો શું કરવું?
દર્દીને જો માત્ર દાંતમાં ઈજા થયેલ હોય તો તેને તુરંત દાંતના ડોક્ટરને ફોનથી જાણ કરવી જોઈએ. અને તેને ડૉક્ટર પાસે લઇ જવો જોઈએ.
દાંતની ઇજાના પ્રકારો.
- દાંતનો નાનો ખુણો કે ધાર સહેજ ખરી જવી
- દાંતનો અડધાથી વધારે ભાગ તૂટી જવો
- દાંત તેની મૂળ જગ્યાએથી હલી જવો.
- દાંતનું મૂળિયું તૂટી જવું.
- દાંત તેની જગ્યાએ જ વધારે ઊંડો જતો રહેવો.
- દાંત આખેઆખો નીકળી જવો
દાંતની ઇજાની સારવાર
દાંતની ઇજાની સારવાર દાંતને કયા પ્રકારની અને કેટલા પ્રમાણમાં ઇજા થયેલી છે અને દર્દીની ઉંમર શું છે તેના પર આધાર રાખે છે.
દાંતનો નાનો ખુણો કે ધાર સહેજ ખરી જવી
દાંતને ઈજા થવાથી
દાંતની ધાર કે ખૂણા પરથી થોડુક ઈનેમલ કે ડેન્ટીન તૂટી જાય તો, કોમ્પોઝીટ ફિલીંગ (દાંત જેવું રંગનું મટીરીયલ)
દ્રારા દાંતને ફરીથી મૂળ આકાર આપી શકાય છે અને દાંતની સુંદરતા જાળવી શકાય.
દાંતનો અડધાથી વધારે ભાગ તૂટી જવો
ઈજા થવાથી જો
દાંતનો અડધાથી વધારે ભાગ
તૂટી ગયો હોય અને દાંતની નસ(પલ્પ) ખૂલી ગઈ હોય તો, આવા કિસ્સામાં દાંતની મુળિયાની સારવાર(આર.સી.ટી.) જરૂરી છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કર્યા બાદ તેના
પર સિરામિક ક્રાઉન લગાવી દાંતનો મૂળ રંગ અને આકાર જાળવી શકાય છે.
જો નાની ઉંમરના બાળકમાં ઇજા થવાથી દાંતની નસ ખૂલી ગઈ હોય
અને હજુ દાંતનું મૂળિયું હજુ પૂરેપૂરું વિકસિત
ના થયું હોય તો પહેલા એપેક્ષોજેનેસીસ (એટલે કે મૂળિયાંને કુદરતી રીતે જ પૂર્ણ
વિકસિત થવા દેવાની સારવાર) કરવી પડે, ત્યારબાદ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરીને દાંત
ઉપર કવર આપી શકાય. એપેક્ષોજેનેસીસ સારવાર ખૂબ લાંબો સમય અને ધીરજ માંગી લેતી
સારવાર છે.
ઘણા બધા કિસ્સામાં એવું પણ બને છે કે દાંતને ઈજા થવાથી જો નસને નુકસાન થયેલ હોય તો
શરૂઆતમાં દાંતમાં કોઈ દુખાવો થતો નથી, પરંતુ પાછળથી લાંબા સમય બાદ (૧૦-૧૫ કે ૨૫ વર્ષ પછી પણ) દાંતમાં રસી થાય છે, દાંતનો રંગ કાળાશ પડતો કે
વધારે ધેરો બને છે, પેઢામાં, દાંતના
મૂળિયાની સમાંતર વારંવાર રસીની
ફોડકી થાય છે અને ધીમે -ધીમે દાંતના મુળિયા પાસેનું હાડકું ખવાતું જાય છે જેને
સિસ્ટ(રસીની કોથળી, હાડકામાં રસોડી)
કહેવાય છે. આવા કિસ્સામાં દાંત બચાવવા પેઢામાં નાનું ઓપરેશન (એપાઈસેકટોમી) કરવું
જરૂરી બને છે અથવા ગંભીર નુકશાન થયેલા કેસમાં દાંત ગુમાવવા પડે છે.
દાંતમાં ઈજા
થવાથી ભલે દાંતમાં કોઈ દુખાવો ન થવો હોય તો પણ દાંતની નસની સ્થિતિના નિદાન માટે
દાંતના ડોક્ટરને અચૂક બતાવવું જોઈએ. આધુનિક ઈલેક્ટ્રોનિક પલ્પ ટેસ્ટરની મદદથી એ જાણી શક્ય કે દાંત
જીવંત છે કે નિર્જીવ થઈ ગયો છે.
ઈજા થવાથી જો દાંતનો સારો એવો ભાગ તૂટી ગયો હોય અને દાંતની નસ(પલ્પ) ખૂલી ગયેલી ના હોય તો તાત્કાલિક તૂટેલા ભાગ સાથે ડૉક્ટર પાસે પહોંચો તો તૂટેલા ભાગને ફરીથી દાંત સાથે જોડી શકાય છે.
દાંત તેની મૂળ જગ્યાએથી હલી જવો.
દાંતને ઈજા થવાથી જો દાંત માત્ર હલી ગયો હોય તો તેને થોડો સમય પુરતું દાંત ઉપર વાયરીંગ કરી દાંતને ફરીથી હાડકાં સાથે જોડી શકાય છે. ત્યારબાદ એક વર્ષ સુધી આ દાંતનો ફોલોઅપ રાખવો જરૂરી બને છે, જો એક વર્ષની અંદર દાંત નિર્જીવ થઈ જાય તો તે સમયે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી જરૂરી બને છે જેથી ભવિષ્યમાં થનારી ગંભીર તકલીફ નિવારી શકાય.
દાંતનું મૂળિયું તૂટી જવું.
દાંતને વધારે
ગંભીર ઈજા થવાથી જો દાંતના મુળિયાનું ફેકચર થયું હોય તો આવા કિસ્સામાં દાંત કઢાવવો
જરૂરી છે. દાંત કઢાવ્યા પછી થોડો સમય બાદ તે ખાલી જગ્યાએ કૃત્રિમ દાંત (ઈમ્પ્લાન્ટ
અથવા બ્રીઝ) બેસાડી
ચહેરાની સુંદરતા જાળવી શકાય છે.
દાંત તેની જગ્યાએ જ વધારે ઊંડો જતો રહે
દાંતને પાછો મૂળ જગ્યાએ ગોઠવી, વાયર અથવા કોમ્પોઝિટથી આજુબાજુના દાંત સાથે થોડા સમય માટે ફિક્સ કરી શકાય. ત્યારબાદ તેમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરીને દાંતને બચાવી શકાય.
અકસ્માતમાં જો આખેઆખો દાંત જ નીકળી જાય તો શું કરવું?
ખાસ કરીને જયારે
દાંતને ઈજા થવાથી દાંત આખેઆખો બહાર નીકળી જાય તો દાંતને પાણીમાં કે દૂધમાં રાખીને અથવા તો
દર્દીના મોઢામાં જ રાખીને તાત્કાલિક ૨૦ થી
૩૦ મીનીટમાં દાંતના ડોક્ટર પાસે પહોચી શકાય, તો તે દાંતને ફરીથી (ટુથ
રીઈમ્પ્લાન્ટેશન) મૂળ જગ્યાએ
બેસાડી (પ્રત્યારોપણ) શકાય છે અને
દાંતને બચાવી શકાય છે. ૩૦ મિનિટથી જેટલું મોડું કરવામાં આવે તેટલો સારવાર સફળ થવાના શકયતા ઓછી થતી જાય છે.
અકસ્માતે જો આખે આખો દાંત જ નીકળી જાય તો સૌ પ્રથમ ડૉક્ટરને
ફોન કરીને જાણ કરવી. જેથી યોગ્ય માર્ગદર્શન તરત જ મળી શકે, અને તે મુજબ ઇમરજન્સી
માટે ડૉક્ટરને પણ તૈયાર રહેવાનો સમય મળે.
દાંતનો કલર ઇજાને કારણે કાળો પડી ગયો હોય અને દુ:ખતો ના હોય તો પણ તેની સારવાર કરાવવી શું જરૂરી છે?
ઇજા પછી દાંતની નસ ખૂલી ગયેલ હોય તો તેમાં ઇન્ફેકશન કારણે
અથવા દાંતમાં ઇજા પછી દાંતના મૂળિયાંના છેડામાંથી નીકળતી નસ જો કપાઈ જાય તો ત્યારબાદ
દાંતને પોષણ મળતું બંધ થઈ જાય છે, દાંત નિર્જીવ બની જાય છે, આવા દાંતમાં ત્યારબાદ
કોઈ સંવેદના રહેતી નથી. સમય જતાં આ નિર્જીવ થઈ ગયેલ દાંતનો કલર કાળો અથવા ઘેરો
બનતો જાય છે. નિર્જીવ થયેલ દાંતની નીચે ઇન્ફેકશન ધીમી ગતિએ કોઈ પણ જાતના દુખાવા
વગર સક્રિય હોય છે અને મૂળિયાની નીચેના હાડકાંને નુકશાન કરે છે અને સીસ્ટ બનાવે
છે, આ ઇન્ફેકશન જો એકદમ તીવ્ર થાય તો જ દુખાવો અને/અથવા સોજો આવે છે. અન્યથા એકદમ
ધીમી ગતિએ હાડકાંમાં નુકશાન કરવાનું ચાલુ રાખે છે.
ટૂકમાં, દાંતને ઈજા થવાથી દાંત તૂટી ગયો હોય, દાંતમાં દુખાવો થતો હોય કે ન થતો હોય, દાંતનો કલર કાળો પડી ગયો હોય, દાંતના ડોક્ટરને બતાવવું હિતાવહ છે. દાંતની દરેક નાની કે મોટી ઈજાની સારવારથી દાંત બચાવી શકાય છે તેમજ દાંતનો મૂળ આકાર, સુંદરતા જાળવી શકાય છે.