કૃત્રિમ દાંત, નકલી દાંત,
ડુપ્લિકેટ દાંત
ગુમાવેલા દાંત શા
માટે ફરી બેસાડવા જોઈએ, તેનાથી શું ફાયદો
થાય?
ગુમાવેલા દાંત ના બેસાડીએ
તો શું નુકશાન થાય?
કૃત્રિમ દાંત કેટલી રીતે બેસાડી શકાય?
અમુક દાંતનું ફોલ્ડિંગ ચોકઠું, તેના ફાયદા અને ગેરફાયદા
ફિકસ દાંતના ફાયદા
બ્રિજ એટલે શું? તેના ફાયદા અને ગેરફાયદા
ઈમ્પ્લાન્ટ એટલે શું? તેના ફાયદા અને ગેરફાયદા
ગુમાવેલા દાંત શા માટે ફરી બેસાડવા જોઈએ, તેનાથી શું ફાયદો થાય?
દાંતના સડા ને
કારણે કે પાયોરિયાને કારણે ગુમાવેલા દાંત શા માટે ફરી બેસાડવા જોઈએ, તો તેના ઘણા કારણો છે. જેમ કે,
તમારો દેખાવ
સુધરશે તે એક કારણ છે.
બીજું, દાંત નીકળી જવાને કારણે ત્યાં બરાબર ચાવી શકાતું નથી. દાંત બેસાડવાથી ચાવવાની કાર્યક્ષમતાને પુન:સ્થાપિત કરી શકાય છે.
ગુમાવેલા દાંત ના બેસાડીએ તો શું નુકશાન થાય?
દાંત નીકળી ગયા પછી પડેલી ખાલી જગ્યાની આગળ-પાછળના દાંત
ખાલી જગ્યા તરફ ઢળે છે.
તેમજ સામે તરફનો દાંત વધારે ઉગી લાંબો થઈ જાય છે. તેને કારણે ખસેલા દાંત વચ્ચે
નાની જગ્યાઓ પડે છે. તેમાં ખોરાક ફસાય છે અને લાંબા સમયે તેમાં પાયોરિયા તેમજ
દાંતનો સડો થાય છે.
દાંત નીકળી ગયા પછી તે જગ્યાનું જડબાંનું હાડકું ધીમે ધીમે ગળાતું
જાય છે, એટલે કે સંકોચાતું જાય છે. શરીરના જે અંગનો ઉપયોગ ન થાય તેનો ધીમે ધીમે નાશ
થાય છે, નિયમ છે.
દાંત,ચહેરાના સ્નાયુઓને આધાર તેમજ આકાર આપે છે. દાંત નીકળી ગયા પછી ચહેરાના સ્નાયુઓ આધાર વગર ઢળી પડે છે. ચહેરા પર કરચલીઑ આવી જાય છે. અચાનક ઉંમર વધી ગઈ હોય એવું લાગે છે.
કૃત્રિમ દાંત કેટલી રીતે બેસાડી શકાય?
ગુમાવેલા દાંત બે
રીતે ફરી બેસાડી શકાય છે. એક, નીકળી શકાય તેવું
અમુક દાંતનું ફોલ્ડિંગ ચોકઠું અને
બીજું, ફિક્સ દાંત.
આમાંથી કઈ રીતના દાંત બેસાડી શકાય તેનો આધાર કેટલા દાંત નથી, મોઢામાં તે કઈ જગ્યાએ બેસાડવાના છે તેમજ બાકીના દાંતની સ્થિતિ, હાડકાની સ્થિતિ અને તેની ગુણવત્તા, દર્દીની પસંદગી અને બજેટ પણ નિર્ણય પર અસર કરે છે.
અમુક દાંતનું ફોલ્ડિંગ ચોકઠું, તેના ફાયદા અને ગેરફાયદા
નીકળી શકે તેવું
અમુક દાંતના ફોલ્ડીંગ ચોકઠા, દર્દી જાતે લગાવી શકે તેમજ કાઢી શકે છે.
નીકળી શકે તેવું
અમુક દાંતના ફોલ્ડીંગ ચોકઠા ઘણા પ્રકારના હોય છે, જેમ કે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક તેમજ કાસ્ટ મેટલ અને ફ્લેક્ષિબલ રબર.
ફોલ્ડિંગ ચોકઠાંમાં સફાઇ સારી રીતે રાખી શકાય છે. પ્રમાણમાં
સસ્તા હોય છે. તેને બેસાડવા આજુબાજુના દાંતના આકારમાં કોઈ ફેરફાર કરવો પડતો નથી. કોઈ
સર્જરીની જરૂર પડતી નથી.
ગેરફાયદામાં જોઈએ તો, આવા ફોલ્ડિંગ ચોકઠાં ફાવતા થોડો સમય લાગે છે. સારવારની સફળતા માટે દર્દીનો સહકાર ખૂબ જ જરૂરી રહે છે. ચાવવાની કાર્યક્ષમતા મધ્યમ કક્ષાની હોય છે.
ફિકસ દાંતના ફાયદા
ફિક્સ દાંત બે
રીતે લગાડી શકાય, બ્રિઝ અને
ઈમ્પ્લાન્ટ. ફિક્સ દાંત કુદરતી દાંતની જેમ જ મોઢામાં રહે છે, તે ધણા જ આરામદાયક હોય છે. ફિક્સ દાંતને દર્દીથી પોતાની જાતે બહાર કાઢી શકાતા નથી. ફિકસ દાંત
કુદરતી દાંતની જેમ જ પોતાનું કાર્ય કરે છે. જેમ કે ચાવવાનું તેમજ ચહેરાનો દેખાવ
જાળવવાનું.
બ્રિજ એટલે શું? તેના ફાયદા અને ગેરફાયદા
બ્રિઝ પધ્ધતિથી
ફિક્સ દાંત બેસાડવા માટે ખાલી જગ્યાના આગળ અને પાછળના દાંત પર કેપ બેસાડવામાં આવે
છે, જેને ખાસ દાંતની
સિમેન્ટથી ચોટાડવામાં આવે છે. આ પધ્ધતિથી દાંત બનાવવા માટે આજુબાજુના દાંત મજબુત
હોવા જોઈએ અને તેને પુરતો હાડકાનો ટેકો હોવો જરૂરી છે. આ બાબત તમારા દાંતની તબીબી
તપાસ પછી સલાહ આપી શકાય.
બ્રિજ કરવા માટે સર્જરી કરવી પડતી નથી.
બ્રિજ બનાવવા સરળ હોય છે. ઓછા સમયમાં સારવાર પૂરી થાય છે.
પ્રમાણમાં ઓછા ખર્ચાળ હોય છે. પણ લાંબા સમયને ધ્યાનમાં રાખવામાં આવે તો ઈમ્પ્લાન્ટ કરતાં વધારે ખર્ચાળ સાબિત થાય છે.
બ્રિજ બનાવવા માટે આજુબાજુના દાંતનો સહારો લેવો પડે, તેના માટે તેના માટે આજુબાજુના દાંત પરથી તંદુરસ્ત ઈનેમલ દૂર કરવું પડે છે. જે કાયમી નુકશાન છે.
બ્રિજ બેસાડયા પછી પણ તે જગ્યાના હાડકાંને ગળાતું રોકી શકાતું
નથી.
બધા કેસમાં બ્રિઝ બેસાડવા શક્ય હોતું નથી.
ઈમ્પ્લાન્ટ એટલે શું? તેના ફાયદા અને ગેરફાયદા
ઈમ્પ્લાન્ટ,
કૃત્રિમ રીતે ફિક્સ
દાંત બેસાડવા માટેની
શ્રેષ્ઠ અને આદર્શ પદ્ધતિ છે. ઈમ્પ્લાન્ટ પદ્ધતિથી દાંત બેસાડવા માટે જડબાના
હાડકામાં ટાઇટેનીયમ સ્ક્રુ મુકવામાં આવે છે. ત્યારબાદ આ ઈમ્પ્લાન્ટ ઉપર દાંત
લગાવવામાં આવે છે. આ સારવાર માટે જડબાના હાડકાની યોગ્ય જાડાઈ તેમજ ઊંડાઈ હોવી
જરૂરી છે. આ બાબત તમારા દાંતની તબીબી તપાસ પછી સલાહ આપી શકાય. બધા કેસમાં
ઈમ્પ્લાન્ટ બેસાડવા શક્ય હોતું નથી.
ડેન્ટલ
ઈમ્પ્લાન્ટથી હાડકાના ઘસારાને અટકાવી શકાય છે.
ડેન્ટલ
ઈમ્પ્લાન્ટ માટે બ્રિજની જેમ આજુબાજુના દાંતને ખલેલ પહોંચાડવામાં આવતી નથી.
ડેન્ટલ
ઈમ્પ્લાન્ટ, જો યોગ્ય નિયમ પ્રમાણે કરવામાં આવે તો તેની સફળતાનો આંક ઘણો
ઊંચો છે, બ્રિજ કરતાં વધારે લાંબો સમય સેવા આપે છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ સારવાર થોડો વધારે સમય લે છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ સારવાર શરૂઆતમાં થોડી ખર્ચાળ જણાય છે, પણ
લાંબા સમયે બ્રિજ કરતાં કિફાયતી સાબિત થાય છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ એ એક સર્જરી છે, ચોકસાઇ વાળું કામ છે, યોગ્ય
નિપૂણતા હોવી જરૂરી છે.
તેમ છતાં, ડેન્ટલ ઈમ્પ્લાન્ટના આટલા બધા ફાયદાઓને કારણે તે કૃત્રિમ દાંત બેસાડવાની
પદ્ધતિ તરીકે અત્યારે ખુબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. વધારેને વધારે લોકો
ઈમ્પ્લાન્ટને પસંદ કરી રહ્યા છે.
ફિક્સ દાંત ની સારવાર થોડી ખર્ચાળ છે. પણ તે ધણા વર્ષો સુધી ચાવવામાં ઉપયોગી રહે છે. તેમજ દેખાવ સુંદર રાખે છે. તમે તમારા કુદરતી દાંતની સંભાળ લો છો, તેટલી જ ફિક્સ દાંતની સફાઈ જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછું બે વખત બ્રશ કરવું જરૂરી છે.