બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ



બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ કયારે સુનિશ્ચિત કરવી જોઈએ?

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ માટે માબાપે શું તૈયારી કરવી જોઈએ?

ડેન્ટલ ટ્રીટમેન્ટ પહેલાં માતાપિતાની તૈયારીના લક્ષ્યો

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ પહેલા માબાપે શું કરવું?

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ પહેલા માબાપે શું ન કરવું જોઈએ?

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ કેવી હોય છે?



ડેન્ટલ હેલ્થ દરેક બાળકનો અધિકાર છે. દરેક બાળકને દાંતની સારી સંભાળ તેમજ સારવાર મળી રહે તેની જવાબદારી બાળકના માતાપિતા તેમજ ડોકટરે વહેચવી જોઈએ. બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટથી જ બાળકના માતાપિતા તેમજ ડોક્ટરની આ ધ્યેય પરિપૂર્ણ કરવા તરફની જવાબદારીની શરૂઆત થાય છે.


દાંતની સંભાળ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે બાળક પેટમાં હોય ત્યારથી શરૂ કરીને જિંદગીભર ચાલે છે. બાળકના દાંતની સંભાળની તૈયારી તેની ખરેખરની સારવાર કરતા પહેલા બાળકના માતાપિતા સાથે દાંતની તંદુરસ્તીનું શિક્ષણ, જાગૃતિ અને પરામર્શ સાથે શરૂ થાય છે. બાળકના દાંતની સંભાળની સફળતાની ચાવીની શરૂઆત તેના માતાપિતા સાથેની યોગ્ય વાતચીત છે.


first dental visit of child at jamnagar dentist




અહી આપણે બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટનું મહત્વ, તેની યોગ્ય રીત અને સમયની ચર્ચા કરીશું.


બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ કયારે સુનિશ્ચિત કરવી જોઈએ?

પ્રથમ દાંત ઉગ્યા પછીના છ મહિનાની અંદર અથવા બાળકના પ્રથમ જન્મદિવસ પહેલા બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ સુનિશ્ચિત કરવી જોઈએ.
પ્રથમ વિઝીટના ઘણા લક્ષ્ય છે, જેમ કે,
(૧) દાંતનો સડો, દાંત વાંકાચૂકા હોય કે અન્ય દાંતની તકલીફોની તપાસ કરવી
(૨) બાળકના સ્તનપાન, આહાર અને મોઢાની સંભાળ બાબતે માતાપિતાને જાગૃત કરવા
(૩) બાળકને ફ્લોરાઈડની જરૂરિયાત છે કે નહિ તેની તપાસ કરવી
(૪) બાળકને ફક્ત નિયમિત દાંતની સંભાળ માટે જ નહીં પણ એક આનંદદાયક વાતાવરણમાં ડેન્ટલ ટ્રીટમેન્ટનો પરિચય અને ડેન્ટલ કલીનીક જેવા સ્થળનો અનુભવ કરાવવો
 
પરંતુ, કમનસીબે, બાળક ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ ત્યારે જ લે છે જયારે તેની દાંતની તકલીફ અસહ્ય તબક્કામાં હોય છે. આનું મુખ્ય જવાબદાર કારણ એ હોય છે કે કા તો માબાપ પાસે દાંતની સંભાળ કેમ રાખવી જોઈએ એની જાણકારી નથી હોતી અથવા બાળકને દુ:ખાવાની કોઈ ફરિયાદ નથી હોતી.
બાળકની ઉમરના શરૂઆતના તબક્કામાં જ  જો માતાપિતા પાસે બાળકના દાંતની યોગ્ય સંભાળ બાબતે માહિતી હોત તો બાળકને ચોક્કસપણે ખુબ જ ફાયદો થઇ શકે. ખાસ કરીને બાળકોમાં ખુબ જ નાની ઉમરમાં થતો દાંતનો સડો.
 
જો કે, ભાગ્યે જ કોઈ બાળકની પહેલી ડેન્ટલ વિઝીટ યોગ્ય રીતે આયોજિત થયેલી હોય છે. મોટે ભાગે અમો ડોકટરો બાળકને ખુબ જ વધારે તકલીફ હોય અથવા ઘણા બધા દાંત સડી ગયા હોય ત્યારે જ પ્રથમ વખત મળીયે છીએ. અહી આપણે એ વિષય પર જ ચર્ચા કરવાના છીએ.

 

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ માટે માબાપે શું તૈયારી કરવી જોઈએ?

એક વાત તો સમજવાની જ રહી કે બાળક એ બાળક છે, નાના પુખ્ત વયના માણસો નથી. તેઓ આસપાસના વાતાવરણથી જુદી રીતે વર્તે છે, જુદી રીતે અપેક્ષા રાખે છે અને જુદી રીતે અનુકુળતા સાધે છે. જયારે બાળકોની દાંતની સારવાર કરવાની હોય છે ત્યારે ડોકટરે એક વર્તન ચિકિત્સક (behavior therapist) અને સલાહકારની ભૂમિકા પણ ભજવવી પડે છે.

ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ અને ગેરસમજણો ટાળવા માટે સારવાર શરૂ કરતા પહેલા માબાપ સાથે દાંતની સારવારની વિવિધ પદ્ધતિઓ અને સારવાર માટે બાળકને વિવિધ રીતે તૈયાર કરવા વિષે પરામર્શ કરવું મહત્વપૂર્ણ છે. જો માબાપ બધી રીતે માહિતગાર હોય તો તે જાતે ઘરે સારવાર માટે બાળકને માનસિક રીતે વધુ સારી રીતે યોગ્ય તૈયારી કરી શકે. બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ આનંદદાયક વિઝીટથી બાળક દાંતની સારવાર પ્રત્યે પ્રોત્સાહિત થશે અને તેનો આત્મવિશ્વાસ વધશે, જે જિંદગીભર તેના માટે ઉપયોગી રહેશે. માતાપિતાએ બાળકને ડેન્ટલ ક્લીનીકથી પરિચિત કરાવવા માટે ડેન્ટીસ્ટ અને તેના સ્ટાફ સાથે સહજ વિઝીટ કરવી જોઈએ. આવી મુલાકાતોનો ઉદ્દેશ્ય ડોક્ટર અને માબાપ વચ્ચે માહિતીની આપ-લે અને ડોક્ટર અને બાળક વચ્ચે સારો સંબંધ અને વિશ્વાસ સ્થાપિત કરવાનો હોય છે. 

 

ડેન્ટલ ટ્રીટમેન્ટ પહેલાં માતાપિતાની તૈયારીના લક્ષ્યો

(૧) બાળકની દાંતની સંભાળ સંબંધિત તેમની સમજણ અને જાગૃતિના સ્તરનું આકલન કરવા માટે

(૨) બાળકની દાંતની સંભાળ સબંધિત તેમની ચિંતાઓ વિષે માહિતી મેળવવી

(૩) બાળક સાથે માતાપિતાની હાજરીમાં સક્રિય વાતચીત શરૂ કરવી

(૪) બાળકના દાંતની સંભાળ બાબતે તેમને સમજ આપવી તેમજ અભ્યાસ કરવામાં મદદ કરવી

(૫) બાળકની ડેન્ટલ ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલા એક તંદુરસ્ત વાતાવરણ ઉભું કરવું

 

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ માટે માબાપની તૈયારીના ભાગરૂપે સૌપ્રથમ ડેન્ટલ કલીનીક પર એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો ત્યારે જ જાણ કરવી કે આ બાળકની ડેન્ટલ કલીનીક માટેની પ્રથમ જ વિઝીટ છે.

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટની સરખામણી આપણે તેની સ્કુલના પ્રથમ દિવસ સાથે કરી શકાય. ઘણા બાળકોને માબાપથી છુટા પડીને અજાણી જગ્યાએ જવું બિલકુલ ગમતું નથી. હા, જો કે થોડા દિવસોમાં જ બાળક નવા વાતાવરણ સાથે અનુકુળ થઇ જાય છે અને તેને સ્કુલમાં મજા આવવા લાગે છે. જેવી રીતે દરેક બાળક સ્કુલના પહેલા જ દિવસે ક ખ ગ અથવા  એ બી સી ડી શીખવા તૈયાર ન હોય તે જ રીતે દરેક બાળક પહેલી જ ડેન્ટલ વિઝીટમાં ટ્રીટમેન્ટ માટે તૈયાર હોય એવી અપેક્ષા ન રાખી શકાય. સામાન્ય રીતે બાળકો ડોક્ટર પાસે જતા ડરતા હોય છે. કેટલાક માબાપ એવું શીખવતા હોય છે કે ડોક્ટર ઇન્જેક્શન જેવા હથિયારનો ઉપયોગ કરતા હોય છે. જો બાળક દિવસમાં ઘણીબધી ચોકલેટ ખાતું હોય તો તેને ધમકી આપવામાં આવે છે કે તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવશે. એટલે બાળકો એવી કલ્પના કરી લેતા હોય છે કે ડોક્ટર પાસે જવું એ એક સજા છે. એનાથી ડોક્ટરનું કામ ખુબ જ કપરું બની જાય છે. બાળકની ડેન્ટલ કલીનીકની પ્રથમ વિઝીટ પહેલા જ માબાપ સાથે આ બાબતની ચર્ચા થયેલી હોવી જરૂરી છે.


બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ પહેલા માબાપે શું કરવું?

(૧) બાળકને એમ કહેવાનું કે આપણે એક મિત્ર અથવા અંકલ પાસે જઈએ છીએ જે ડોક્ટર પણ છે અને તેમને બાળકો બહુ ગમે છે અને તે માત્ર તારા દાંત ચેક કરશે. બાળકોની અત્યારની જનરેશન ખુબ જ સ્માર્ટ છે, તેની સાથે ખોટું બોલીને તેને મુર્ખ બનાવશો નહિ. બાળક સાથે એકદમ સહજતાથી વાત કરશો.

(૨) તેને એમ સમજાવવાનું કે નિયમિત દાંત ચેક કરાવવાથી દાંતની તકલીફની ખબર પડે જેમ કે દાંત કાળા થઇ જાય, દાંતમાં કેવીટી હોય

(૩) જો શક્ય હોય તો બંને માતાપિતાએ બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ વખતે હાજર રહેવું

(૪) ડોક્ટરને બાળક સાથે વાત કરવા માટે પુરતો સમય આપો. બાળક સાથે સંબંધ સ્થાપિત કરવામાં તેમજ વિશ્વાસ મેળવવા માટે શરૂઆતમાં થોડો સમય આપવાથી પાછળથી સારવાર દરમિયાન બાળકનો વધુ સારો સહકાર મેળવી શકાય છે અને સમય બચાવી શકાય.

(૫) ૮૫-૯૦% બાળકો દાંતની બધી સારવાર દરમિયાન સહકાર આપે છે. બાળકમાં દાંતની સંભાળ અને સારવાર માટે સકારાત્મક અભિગમ કેળવો જેનાથી બાળકને દાંતની સારવાર માટે તૈયાર કરવામાં ડોક્ટરને ઘણી સરળતા રહે.

(૬) જયારે પણ ડોક્ટર ઈચ્છે ત્યારે બાળકને ડોક્ટર પાસે એકલા છોડો. દાંતની સફળ સારવાર માટે બાળક અને ડોક્ટર વચ્ચેની સીધી વાતચીત ખુબ જ મહત્વપૂર્ણ છે.

(૭) તમારા બાળકનો સંપૂર્ણ તબીબી રેકોર્ડ (ફાઈલ) સાથે લાવો.

(૮) બાળકના દાંતના રોગની પુરેપુરી સારવાર, રોગ અટકાવવા માટેના જરૂરી પગલા અને સારવાર પછીની નિયમિત તપાસની સંપૂર્ણ સમજ મેળવવાનો આગ્રહ રાખો.

 

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ પહેલા માબાપે શું ન કરવું જોઈએ?

(૧) સૌ પહેલા તો તમારે તમારા બાળકની સામે દુઃખાવો, બ્લડ કે ઈન્જેકશન, દાંત ખેંચી કાઢશે જેવા નકારાત્મક અને ભયભીત કરે તેવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.

(૨) તમારે બાળકને એમ ન કહેવું જોઈએ કે “તું બરાબર બ્રશ નથી કરતો એટલે ડોક્ટર તને ઇન્જેક્શન મારશે” અથવા “તું ચોકલેટ ખાય છે, તારા સડેલા દાંતને ડોક્ટર કાઢી નાખશે”

(૩) પ્રથમ જ વિઝીટમાં ટ્રીટમેન્ટ શરૂ કરવાનો આગ્રહ ન રાખશો.

(૪) બાળકની સામે તમે તમારો દાંતની ટ્રીટમેન્ટ (દુઃખાવો, બ્લડ વગેરે) પ્રત્યેનો ભય ન બતાવશો. દાંતની સારવારના તમારા નકારાત્મક પીડાદાયક અનુભવો બાળકો સામે પ્રદર્શિત ન કરો. ડોક્ટર તમારા પ્રશ્નોનો જવાબ અલગથી આપશે.

(૫) બાળકનો ઊંઘવાનો સમય હોય અથવા તો બાળક ખુબ જ થાકેલું હોય તે સમયની અપોઈન્ટમેન્ટ લેવાનું ટાળો.

(૬) બાળકને અગાઉથી જ લાંચમાં ગીફ્ટ આપવાનું ટાળો. જો બાળક ડેન્ટલ કલીનીકમાં યોગ્ય વર્તન જાળવે તો પછીથી તેને ઇનામમાં ગીફ્ટ આપો.

(૭) બાળકના વર્તનની ફરિયાદ ડોક્ટર પાસે ન કરો અને દરેક વિઝીટમાં બાળક પાસેથી એકદમ યોગ્ય વર્તનની અપેક્ષા ન રાખો.

(૮) ટ્રીટમેન્ટ માટે કેટલો સમય લાગશે, ટ્રીટમેન્ટ દરમિયાન દુઃખાવો થશે કે નહિ તેના વિષે અગાઉથી કોઈ વચન ન આપશો. તેનાથી બાળક ગેરમાર્ગે દોરવાઈ શકે છે. સહજ રીતે કહી દો કે મને ખબર નથી.

 

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ કેવી હોય છે?

સૌ પ્રથમ તો બાળકની પ્રથમ વિઝીટનો ઉદેશ્ય જાણવામાં આવે છે. જો બાળકને કોઈ તાત્કાલીક સારવારની જરૂર હોય તો તેને શકય એટલી ઝડપે તે પૂરી પાડવામાં આવે છે. નહીતર, પ્રથમ વિઝીટમાં મુખ્યત્વે  પરામર્શ કરવામાં આવે છે. તેના મુખ્ય બે ધ્યેય હોય છે.

(૧) બાળક સાથે સુમેળ ભર્યા સંબંધો બનાવવા અને બાળકનો વિશ્વાસ જીતવો

(૨) બાળકના દાંતના રોગોની શરૂઆતી તપાસ, નિદાન અને ટ્રીટમેન્ટ પ્લાન બનાવવો

તે વખતે નિશ્ચિત નિદાન માટે એક્સ-રે લેવા જરૂરી હોય છે. જો બાળક સહકાર આપી શકે તેમ હોય અને તાત્કાલિક નિદાન કરવું જરૂરી હોય તો પ્રથમ વિઝીટમાં એક્સ-રે લઇ શકાય. એક વખત નિદાન સુનિશ્ચિત થઇ જાય ત્યાર બાદ દાંતની જરૂરી ટ્રીટમેન્ટ, દાંતના રોગોને અટકાવવાના જરૂરી પગલા, દાંતની સારવાર પૂરી કરવા માટેનો અંદાજીત સમયપત્રક અને અંદાજીત ખર્ચ સહિતની માહિતી સાથેનો ટ્રીટમેન્ટ પ્લાન માબાપને આપી શકાય.

જો બાળકને તાત્કાલિક સારવારની કોઈ જરૂર ના હોય તો નીચેના કાર્ય કરી શકાય.

(૧) મોઢાની તપાસ

(૨) દાંતના રોગ અટકાવવા માટે માબાપ સાથે પરામર્શ

(૩) એક્સ-રે લેવા ( જો બાળક સહકાર આપે તો)

(૪) મોડેલ ઉપર દાંતને કેવી રીતે બ્રશ કરવું તે શીખવવું

(૫) દાંતની સારવાર દરમિયાન વપરાતા સાધનોનો બાળક સાથે સરળ રીતે તે સમજી શકે તેવા શબ્દોનો ઉપયોગ કરીને પરિચય કરાવવો.

 

આભારવિધિ

આ આર્ટીકલના મુખ્ય અંશો ભારતના પ્રતીશિષ્ઠ પેડીયાટ્ટ્રીક ડેન્ટલ સર્જન ડો. અશ્વિન જાવડેકર લિખિત પુસ્તક “Child Management in Clinical Dentistry” માંથી  તેમની મંજુરીથી લેવામાં આવ્યા છે. ડો. અશ્વિન જાવડેકર સાહેબનો ખુબ આભારી રહીશ. 

To read this article in english, please click this link " First Dental Visit Of Child"


ટૂંકમાં, 

બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટનું ધ્યેય ડોક્ટર અને બાળક વચ્ચે સારો સંબંધ અને વિશ્વાસ સ્થાપિત કરવાનો હોય છે. બાળકમાં દાંતની સંભાળ અને સારવાર માટે સકારાત્મક અભિગમ કેળવવાનો છે  જેનાથી બાળકને દાંતની સારવાર માટે તૈયાર કરવામાં ડોક્ટરને ઘણી સરળતા રહે.




You may like these posts: