મોઢાનું કેન્સર (ઓરલ કેન્સર) (જીભ, હોઠ, ગાલ, પેઢાં, તાળવું) - લક્ષણો, સારવાર અને નિવારણ


 

ગુજરાત - મોંઢાના કેન્સરનું કેન્દ્ર

ભારતમાં મોંઢાના કેન્સરનું પ્રમાણ

મોઢાનું કેન્સર કઈ કઈ જગ્યાએ થાય છે ?

મોઢાનું કેન્સર કયા કારણોસર થાય છે?

મોંઢાના કેન્સર માટે તમાકુ(ટોબેકો) કઈ રીતે જવાબદાર છે?

મોઢાના કેન્સરના ચિન્હો અને લક્ષણો કયા કયા છે?

ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસ એટલે શું ? તેના કારણો અને લક્ષણો

મોંઢાના કેન્સરનું જોખમ કયા લોકોમાં વધારે હોય છે?

મોંઢાના કેન્સર(ઓરલ કેન્સર)ના કેટલા તબક્કા હોય છે?

મોંઢાના કેન્સર (ઓરલ કેન્સર)ની સારવાર કેવી રીતે થાય છે?

મોંઢાના કેન્સર માટે દાંતના ડૉક્ટર કેવી રીતે મદદરૂપ થઈ શકે?

મોંઢાના કેન્સરનું નિદાન કેવી રીતે થાય છે?

કેન્સરથી બચવાના ઉપાયો કયા કયા છે?

મોંઢાના કેન્સર માટે સ્વ-પરીક્ષણ કેવી રીતે કરવું?

 

 

મોઢાનું કેન્સર- લક્ષણો, સારવાર અને નિવારણ

  

મોંઢાનું કેન્સર (ઓરલ કેન્સર) એ એક ગંભીર જીવલેણ રોગ છે. જે મોં અથવા ગળામાં તેમજ તેની આસપાસના ભાગમાં થાય છે. મોટેભાગે તે જીભ, હોઠ, ગાલની અંદરની ત્વચા, પેઢાં, તાળવામાં જોવા મળે છે. 

મોંઢાના કેન્સરની એકદમ શરૂઆતમાં દર્દીને કોઈ દુખાવો થતો નથી, કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. 

મોંઢાના કેન્સરનું નિદાન મોટેભાગે ગરદનના લસિકાગ્રંથી(લીમ્ફનોડ) સુધી ફેલાઈ ગયા પછી ખૂબ જ મોડેથી થાય છે.  મોંઢાના કેન્સરનું નિદાન જો શરૂઆતના તબક્કામાં જ થઈ જાય તો આ જીવલેણ રોગથી ચોક્કસપણે બચી શકાય છે. 

સામાન્ય રીતે મોંઢાના કેન્સરની શરૂઆતના ચિન્હો અને લક્ષણો પર સૌ પ્રથમ દાંતના ડૉક્ટરનું ધ્યાન પડે છે. 


ગુજરાત - મોંઢાના કેન્સરનું કેન્દ્ર

ગુજરાત, ભારતમાં મોઢાના કેન્સરના કેન્દ્ર તરીકે ઓળખાય છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ ગુજરાતમાં મોઢાના કેન્સરની ઘટનાઓ રાષ્ટ્રીય સરેરાશ કરતા બે થી ત્રણ ગણી વધારે છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં થતાં મોઢાના કેન્સર થવાનું મુખ્ય કારણ એ છે કે અહીં બીડી, સિગારેટ, તમાકુ અને ગુટકા ચાવવાનું ચલણ ખૂબ જ પ્રચલિત છે. જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાનમસાલા અને ગુટકા ખૂબ જ લોકપ્રિય છે, જેના કારણે મોંઢાના કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 

આ સમસ્યા સામે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અને સઘન સારવારની સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. ડેન્ટલ ચેકઅપ કેમ્પ, કેન્સર નિદાન કેમ્પ અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા લોકોને આ રોગથી બચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. છતાં પણ, સામાન્ય જનતાને જાગૃત કરવા માટે હજુ વધુ પ્રયાસોની જરૂર છે. 

ગુજરાતમાં મોઢાના કેન્સરના કેસો અન્ય રાજ્યની સરખામણીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં આવતા હોવાથી તેને ભારતમાં મોઢાના કેન્સરનું કેન્દ્ર માનવામાં આવે છે. 


ભારતમાં મોંઢાના કેન્સરનું પ્રમાણ

2020માં અંદાજિત 6,57,000 નવા કેસ અને 3,30,000 મૃત્યુ નોંધાયા સાથે મોઢાનું કેન્સર વિશ્વનું બીજું સૌથી સામાન્ય કેન્સર છે. ભારતમાં, તે પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર છે. મોઢાના કેન્સરની ઘટનાઓ સમગ્ર વિશ્વમાં વધી રહી છે, ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં. તેનું કારણ જીવનશૈલીમાં ફેરફાર જેમ કે ધૂમ્રપાન, તમાકુનો ઉપયોગ અને આલ્કોહોલના સેવન છે.  


મોઢાનું કેન્સર કઈ કઈ જગ્યાએ થાય છે ?

મોઢાનું કેન્સર માટે સૌથી સામાન્ય જગ્યાઓમાં જીભ, હોઠ, ગાલ અને પેઢાં છે.

locations of oral cancer


 

 મોઢાનું કેન્સર કયા કારણોસર થાય છે?

મોંઢાના કેન્સર થવા માટે નીચેના કારણો જવાબદાર હોઈ શકે: 

  • તમાકુ અને ગુટકા – ધુમ્રપાન અને ચાવવાની તમાકુ અને સોપારી (arecanut) કેન્સરનું મુખ્ય કારણ છે.
  • આલ્કોહોલ – વધુ પ્રમાણમાં દારૂનું સેવન મોંઢાના કેન્સરનું જોખમ વધારી શકે છે.
  • હ્યુમન પેપિલોમા વાઈરસ (HPV) ચેપ – HPV વાયરસ કેટલાક પ્રકારના મોંઢાના કેન્સરનું કારણ બની શકે છે.
  • અસંતુલિત આહાર – ફળ અને શાકભાજીના ઓછા સેવનથી કેન્સર થવાનો જોખમ વધી શકે છે.
  • દાંત, પેઢાં અને મોઢાની નબળી સફાઇનો સમાવેશ થાય છે. 

 

મોંઢાના કેન્સર માટે તમાકુ(ટોબેકો) કઈ રીતે જવાબદાર છે?

તમાકુ અને તમાકુ ઉત્પાદનો મોઢાના કેન્સર માટે મુખ્ય જોખમી પરિબળો છે. તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થવાનું જોખમ છ ગણું વધી શકે છે. ગુટકા, પાન મસાલા, સોપારી અને ખૈની જેવા તમાકુ ઉત્પાદનો ખાસ કરીને હાનિકારક છે,  કારણ કે તેમાં કેન્સરકારક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. ધૂમ્રપાન અને તમાકુ ચાવવાથી ફેફસા, ગળા અને અન્નનળીના કેન્સર સહિત અન્ય પ્રકારના કેન્સરનું જોખમ પણ વધે છે. 

ધુમાડા વગરના એટલે કે ચાવવાની તમાકુમાં ઓછામાં ઓછા ૨૮ કેમિકલ કેન્સરનું કારણ હોવાનું શોધાયું છે.  ધૂમ્રપાન રહિત તમાકુમાં સૌથી હાનિકારક નાઇટ્રોસેમાઇન છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે નાઇટ્રોસેમાઇનનું સ્તર કેન્સરના જોખમ સાથે સીધો સંબંધ ધરાવે છે. 

નાઇટ્રોસેમાઇન ઉપરાંત, ધૂમ્રપાન રહિત તમાકુમાં કેન્સર પેદા કરતા અન્ય કેમિકલમાં પોલોનિયમ-૨૧૦ (તમાકુના ખાતરમાં જોવા મળતું કિરણોત્સર્ગી તત્વ) અને પોલિન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ (પોલીસાયકલિક એરોમેટિક હાઈડ્રોકાર્બન તરીકે પણ ઓળખાય છે)નો  સમાવેશ થાય છે.  


મોઢાના કેન્સરના ચિન્હો અને લક્ષણો કયા કયા છે?

આ ચિન્હો અથવા લક્ષણો મોઢાના કેન્સર પહેલાંની પરિસ્થિતિ અથવા તેની હાજરી સૂચવી શકે છે. તેને અવગણવી જોઈએ નહીં. જો આમાંના કોઈપણ ચિન્હો દેખાય અથવા લક્ષણોનો અનુભવ થાય તો તેના માટે જરૂરથી દાંતના ડૉક્ટરને મળવું જોઈએ. આ દરેક લક્ષણો વિશે અહીં વધુ માહિતી છે.

 

મોઢાના કેન્સરના ચિન્હો અને લક્ષણો


 મોંઢાના કેન્સરના ચિન્હો અને લક્ષનો 

લ્યુકોપ્લાકિયા: 

આ એક કેન્સર થતાં પહેલાંની સ્થિતિ છે. જીભ, પેઢા અથવા ગાલ પર તે સફેદ અથવા ગ્રે કલરના ચાંઠારૂપે વિકાસ પામે છે. લ્યુકોપ્લાકિયામાં સામાન્ય રીતે કોઈ દુખાવો થતો નથી. તે મોટેભાગે તેની જાતે મટતું નથી. લ્યુકોપ્લાકિયાને કેન્સર ગણી શકાય નહીં પણ, જો તમાકુની કુટેવ ચાલુ રહે અને સમયસર તેની સારવાર ના થાય તો આ લ્યુકોપ્લાકિયા આગળ જતાં કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે, તેથી ડૉક્ટર દ્વારા તેની તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. 

એરિથ્રોપ્લાકિયા: 

આ એક લાલ પેચ છે જે જીભ, પેઢા અથવા ગાલ પર વિકસે છે. એરિથ્રોપ્લાકિયા લ્યુકોપ્લાકિયા કરતાં ઓછું સામાન્ય છે, પણ આમાં  કેન્સર થવાની સંભાવના વધારે છે. લ્યુકોપ્લાકિયાની જેમ, આ પણ પોતાની જાતે મટતું નથી. 

ચાંદુ અથવા અલ્સર: 

મોઢામાં થતાં ચાંદા એકદમ સામાન્ય બાબત છે અને તે વિવિધ કારણોસર થઈ શકે છે, જેમ કે ઇજા, ચેપ અથવા શરીરની અન્ય કોઈ બિમારી સબબ. મોટાભાગના ચાંદા થોડા દિવસોમાં જ સારવારથી અથવા તો વગર સારવારે પણ મટી જ જતાં હોય છે, પણ જો કોઈ ચાંદુ પંદર દિવસથી પણ વધારે દિવસ પછી મટતું ના હોય તો, તે મોઢાના કેન્સરની નિશાની હોઈ શકે છે. આવા કેન્સર વાળા ચાંદામાં મોટે ભાગે કોઈ દુખાવો થતો નથી. 

ચાવવામાં અથવા ગળવામાં દુખાવો અથવા તકલીફ: 

ચાવતી અથવા ગળતી વખતે થતો દુખાવો અથવા તકલીફ ઘણા કારણોસર થઈ શકે છે, જેમાં દાંતની બીમારીઓ, ચેપ અને સ્નાયુ અથવા નસની બીમારીઓનો સમાવેશ થાય છે. જો આ સિવાય કોઈ સ્પષ્ટ કારણ વગર દુખાવો અથવા મુશ્કેલી ચાલુ રહે, તો તે મોઢાના કેન્સરની નિશાની હોઈ શકે છે. 

મોઢામાં અથવા ગળામાં સોજો અથવા ગાંઠ: 

મોઢામાં અથવા ગળામાં સોજો અથવા ગાંઠ વિવિધ કારણોસર થઈ શકે છે, જેમાં ચેપ, લાળ ગ્રંથિની બીમારીઓ અને રસીની કોથળીઓનો સમાવેશ થાય છે. આ સિવાયના કારણોસર, જો સોજો અથવા ગાંઠ થાય તો તે મોઢાના કેન્સરની નિશાની હોઈ શકે છે.

 આ ઉપરાંત

 

મોઢું જકડાઈ જવું અથવા મોઢું ઓછું ખૂલવું (ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસ) 

જીભમાં દુખાવો

હલતા દાંત 

મોઢામાંથી લોહી નીકળવું 

કોઈ ખાસ કારણ વગર વજન ઘટી જવું 

હોઠ કે જડબામાં ખાલી ચડવી જેવા લક્ષણો પણ કેન્સરના હોઇ શકે છે.  


ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસ એટલે શું તેના કારણો અને લક્ષણો

ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસ (OSMF) એ એક લાંબા સમયે થતો રોગ છે જેમાં વારંવાર ઇજા થવી અને તેમાં રૂઝ આવવાની વારંવારની પ્રક્રિયાને કારણે મોઢાની અંદરની નાજુક પેશીઓ સ્થિતિસ્થાપક્તા ગુમાવી જકડાતી જાય છે અને ક્રમશઃ મોઢું ઓછુંને ઓછું ખૂલતું જાય છે.  આ એક કેન્સર પહેલાંની સ્થિતિ છે. જો સમયસર કુટેવ છોડવામાં ન આવે અને  ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો જીવલેણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. 

ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસ થવાના કારણો

  • સોપારી (Arecanut) ચાવવાનું કારણ મુખ્ય છે.
  • વધારે પડતું તીખું, મસાલેદાર ખોરાક
  • લોહતત્વ (આયર્ન) અને ઝિંક જેવા સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ મહત્વપૂર્ણ વિટામિન્સની ઉણપ 

 

ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસના લક્ષણો

  • તીખું,  મસાલેદાર ખોરાક ખાધા પછી મોઢામાં બળતરા થવી
  • મોઢું શુકાઈ જવું
  • મોઢું વધારે ખોલવામાં પીડા થવી
  • સ્વાદ બદલી જવો
  • જીભનું હલનચલન મર્યાદિત થઈ જવું
  • ખોરાક ગળવામાં મુશ્કેલી પડવી
  • મોં ખોલવામાં મુશ્કેલી પડવી

ખાસ નોંધ લેશો કે ઉપર જણાવેલા ચિન્હો અને લક્ષણો હંમેશા મોઢાના કેન્સરને કારણે જ હોય એવું જરૂરી નથી. પણ તકેદારીના ભાગ રૂપે, જો આમાંથી કોઈ ચિન્હો કે લક્ષણો દેખાય અથવા તેનો અનુભવ થાય તો દાંતના ડોકટર અથવા તેના નિષ્ણાંત ડૉક્ટરને તુરંત મળી કેન્સરની શંકાને દૂર કરવી જોઈએ.  


મોંઢાના કેન્સરનું જોખમ કયા લોકોમાં વધારે હોય છે?

કેટલાક વર્ગોમાં મોઢાનું કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. જેમ કે : 

  • તમાકુ અને તેના સંબંધિત ઉત્પાદનોના વપરાશકર્તાઓ: ધૂમ્રપાન, તમાકુવાળા પાન મસાલા, ગુટકા, ખૈની
  • નાની ઉંમરમાં જ જો તમાકુ, સોંપારીનું વ્યસન શરૂ થઈ ગયેલ હોય તો કેન્સર થવાનું જોખમ વધારે રહે છે.
  • આલ્કોહોલ(દારૂ) પીનારાઓ: ભારે આલ્કોહોલનું સેવન મોઢાના કેન્સરનું જોખમ વધારે છે. જ્યારે તમાકુની આદત સાથે જો આલ્કોહોલની પણ આદત હોય તો કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
  • દાંતની કાયમી બિમારીઓ: દાંત-મોઢાની નબળી સફાઇ તેમજ દાંતની જરૂરી સારવાર લાંબા સમય સુધી ટાળવાથી મોઢાના કેન્સરનું જોખમ વધી જાય છે. સડાને કારણે અથવા ઘસાઈને કે તૂટીને ધારદાર બનેલ દાંતની વારંવાર ઇજાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
  • વારંવાર ઇજા કરતું અથવા ઢીલું રહેતું ચોકઠું: ઢીલાં ચોકઠાં અથવા વારંવાર એકની એક જગ્યાએ ચાંદા પાડતા ચૉકથાથી પણ મોઢાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે.  


મોંઢાના કેન્સર(ઓરલ કેન્સર)ના કેટલા તબક્કા હોય છે?

મોંઢાના કેન્સરના ચાર જાણીતા તબક્કા છે. પહેલા અને બીજા તબક્કામાં નાની ગાંઠ હોય છે, તબક્કો ત્રણ અને ચારમાં કેન્સર વકરી જાય છે. પ્રથમ બે તબક્કામાં, કેન્સરના કોષો સામાન્ય રીતે લસિકાગ્રંથી (ગાંઠો)માં ફેલાતા નથી; જ્યારે ત્રીજા અને ચોથા તબક્કામાં,  ગાંઠો મોટી હોય છે અને કેન્સરના કોષો લસિકા ગાંઠો અથવા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. જો કે, એ જાણવું જરૂરી છે કે નિદાન જેટલું વહેલું થાય, સારવાર પછી જીવિત રહેવાની શક્યતાઓ વધારે હોય છે. તેથી, સમયસર નિદાન અને સારવાર ખૂબ જ મહત્વની છે.  


મોંઢાના કેન્સર (ઓરલ કેન્સર)ની સારવાર કેવી રીતે થાય છે?

મોઢાના કેન્સરના નિદાન પ્રક્રિયા દરમિયાન કેન્સરના પ્રકાર, વિસ્તાર અને તબક્કાના આધારે કેન્સરની સારવાર નક્કી કરવામાં આવે છે. 

સર્જરી: પ્રારંભિક તબક્કાની સારવારમાં ગાંઠ અને કેન્સરગ્રસ્ત લસિકા ગાંઠોને ઓપરેશનથી દૂર કરવામાં આવે છે.  આ ઉપરાંત, મોઢું અને ગરદનની આસપાસની અન્ય પેશીઓ પણ દૂર જરૂરિયાત મુજન કરવામાં આવે છે. આ ઉપરાંત, મોઢાના કેન્સરની સારવાર માટે કેટલાક અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે. જેમ કે, 

રેડીયેશન થેરાપી : રેડીયેશન થેરાપીમાં ક્ષ-કિરણોનો ઉપયોગ થાય છે, તેનાથી કેન્સરગ્રસ્ત કોષોનો નાશ થાય છે. તેનો ઉપયોગ કેન્સરની એકદમ પ્રારંભિક તબક્કાની સારવારમાં થાય છે, સર્જરી પહેલા કેન્સરની ગાંઠને નાની કરવા માટે થાય છે, સર્જરી કર્યા પછી રહી ગયેલા અથવા રાખી દેવામાં આવેલ  કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે થાય છે.

કીમોથેરાપી: કીમોથેરાપીમાં એન્ટી-કેન્સર દવાઓનો ઉપયોગ કેન્સરની સારવાર પહેલા, દરમિયાન કે સારવાર પછી  કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે થાય છે. 

ઈમ્યુનોથેરાપી: ઈમ્યુનોથેરાપીમાં દવાઓનો ઉપયોગ કરીને કેન્સર સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારવામાં આવે છે.  


મોંઢાના કેન્સર માટે દાંતના ડૉક્ટર કેવી રીતે મદદરૂપ થઈ શકે?

દાંતના ડોક્ટર મોંઢાના કેન્સરની ઓળખ અને તેને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે મોંઢાના કેન્સરની વાત આવે છે, ત્યારે કેન્સર બાબતે જનજાગૃતિની ફેલાવવી, કેન્સરની પ્રાથમિક ચકાસણી કરવી, નિદાન કરવું અને યોગ્ય જગ્યાએ દર્દીને સારવાર માટે મોકલવામાં દાંતના ડોકટરનો મહત્વનો ફાળો છે અને આ રીતે દર્દીના જીવન બચાવવા એ તેની પ્રાથમિક જવાબદારી છે.  

મોઢાનું કેન્સર રોકવામાં દાંતના ડોક્ટરનો ફાળો:

  • નિયમિત ડેન્ટલ ચેકઅપ દ્વારા મોંઢાના કેન્સરના પ્રારંભિક લક્ષણો શોધી શકે.
  • તમાકુ અને ગુટકાના સેવનથી થતા નુકસાન વિશે દર્દીઓને જાગૃત કરી શકે.
  • દાંત અને મોંઢાની સફાઈ બાબતે પ્રોત્સાહન આપી કેન્સરનો જોખમ ઘટાડવામાં મદદ કરી શકે.
  • જો કોઈ શંકાસ્પદ ઘા કે ગાંઠ જોવા મળે, તો આગળની તપાસ માટે જરૂરી માર્ગદર્શન આપી શકે અને તબીબી નિષ્ણાતો પાસે દર્દીને મોકલી શકે.

સમયસરના નિદાનથી જ મોંઢાના કેન્સરથી થતાં મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય છે. મોંઢાના કેન્સરથી થતાં મૃત્યુદરમાં ઘટાડો લાવવામાં દાંતમાં ડૉક્ટર જેટલી તક અન્ય કોઈ ડૉક્ટરને મળતી નથી. 

આમ, સમયસર તપાસ અને ત્યારબાદ તેની યોગ્ય સારવારથી જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે.  


મોંઢાના કેન્સરનું નિદાન કેવી રીતે થાય છે?

મોંઢાના કેન્સરનું નિદાન તબીબી પરીક્ષણો દ્વારા થાય છે:

બાયોપ્સી – મોંઢાની અંદરના ઘાવ અથવા ગાંઠમાંથી નમૂના લઈને હિસ્ટોપેથોલોજીકલ પરીક્ષણ કરવું. 

સીટી સ્કેન અને એમઆરઆઈ – કેન્સર કેટલો ફેલાયો છે તે જાણવા માટે. 

એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ – કેન્સર હાડકાં કે અન્ય અંગો સુધી પહોંચ્યું છે કે નહીં અથવા કેટલું પહોંચ્યું છે તે જાણવા.  


કેન્સરથી બચવાના ઉપાયો કયા કયા છે?

મોંઢાના કેન્સરથી બચવા માટે નીચે આપેલા ઉપાયો અપનાવી શકાય: 

  • પાનમસાલા, ગુટકા, તમાકૂ અને દારૂના સેવનથી દૂર રહેવું.
  • શુદ્ધ અને પૌષ્ટિક આહાર લેવો.
  • દર મહિને ઓછામાં ઓછું એક વખત સ્વ-પરીક્ષણ કરો
  • દાંત, મોઢાની નિયમિત સફાઈ રાખવી અને દાંતના ડોકટર પાસે નિયમિત તબીબી તપાસ કરાવવી.
  • કોઈ પણ શંકાસ્પદ ચિન્હ કે લક્ષણ જણાય તો દાંતના ડોકટરનો સંપર્ક કરવો.  


મોંઢાના કેન્સર માટે સ્વ-પરીક્ષણ કેવી રીતે કરવું?

સ્તન કેન્સરના સ્વ-પરીક્ષણની જેમ જ, મોંઢાના કેન્સર માટે સ્વ- પરીક્ષણ એ જોખમોને વહેલી તકે ઓળખવા અને દૂર કરવા માટે એક સરસ રીત છે.


મોંઢાના કેન્સર માટે સ્વ-પરીક્ષણ


 

 મોંઢાના કેન્સર માટે સ્વ-પરીક્ષણ કરવા માટે, સારી રીતે પ્રકાશિત અરીસાની સામે ઊભા રહો,  તમારા હોઠ, પેઢાં, ગાલ, જીભ (ઉપર, નીચે અને બાજુઓ), તાળવું અને તમારા મોંના ફ્લોરનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો.  કોઈ પણ અસામાન્ય ગાંઠ, ઢીમચું, લાલાશ અથવા સફેદ પડતા કલરના ચાંદા, ન રુઝાતા કોઈ ચાંદા જેવી જગ્યાઓ જુઓ અને અનુભવો.  વધુમાં, તમારી આંગળીઓ વડે તમારા જડબાની સાથે હળવાશથી અનુભવીને તમારી ગરદનમાં લસિકાગ્રંથી તપાસો.  

 

નિષ્કર્ષ 

મોંઢાનું કેન્સર ગંભીર રોગ છે, પણ જો પ્રારંભિક તબક્કામાં તેની ઓળખ કરી યોગ્ય નિદાન થઈ જાય તો તેની તેનું સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે. શંકાસ્પદ લક્ષણોને અવગણ્યા વગર તબીબી સલાહ લેવી જરૂરી છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી અને ખોટી આદતોથી દૂર રહેવાથી જીવલેણ મોંઢાના કેન્સરથી બચી શકાય. 

 

સ્પષ્ટીકરણ 

અહી મોંઢાના કેન્સર વિષે આપવામાં આવેલી માહિતી ઉપરછલ્લી, જનજાગૃતિ અને સામાન્ય માહિતી અર્થે છે. મોંઢાના કેન્સર જેવા ચિન્હો અને લક્ષણો જોઇને જાતે નિદાન કરવું જોખમી છે. શંકાસ્પદ લક્ષણ જણાય તો દાંતના ડોકટર અથવા ઑન્કોસર્જનનો સંપર્ક કરવો.


Early Detection of oral cancer


You may like these posts: