દાંત-દાંઢ કયારે કઢાવવા
પડે?
દાંત-દાંઢ કઢાવવાથી બચવું
જોઈએ?
દાંત કઢાવવા માટેની શું વિધિ હોય છે?
દાંત કેવી રીતે કાઢવામાં આવે છે?
દાંત કઢાવ્યા પછી શું ધ્યાન રાખવાનું? – સૂચનાઓ
દાંત-દાંઢ કયારે કઢાવવા પડે?
ક્યાં સંજોગોમાં,
ક્યાં કારણોસર દાંત
કઢાવવો પડે, તો તેના ઘણા કારણો
છે. જેમ કે
- જયારે દાંત એટલો બધો ખરાબ રીતે સડી ગયો હોય કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટથી પણ બચી શકે તેમ ના હોય.
- પેઢાના રોગને(પાયોરિયા) કારણે દાંત એકદમ હલતો હોય અને સારવારથી બચી શકે તેમ ના હોય.
- દાંત ફરી પાછો બરાબર ના થઇ શકે એ રીતે તૂટી ગયો હોય (ટુથ ફ્રેકચર)
- તેની પોઝીશન (સ્થિતિ) એકદમ આડી હોય કે ઉપયોગી ના હોય. વધારાનો દાંત હોય.
- પરેશાન કરતી ડહાપણ દાઢ
દાંત-દાંઢ કઢાવવાથી બચવું જોઈએ?
દાંત કઢાવવા કરતા
દાંતને બચાવવો વધારે હિતાવહ છે. ખરાબ થયેલા દાંત જો અન્ય કોઈ સારવારના વિકલ્પથી
બચી શકતા હોય તો બચાવવા જ જોઈએ. કારણકે
દાંત કઢાવ્યા પછી તેના પાડોશી દાંત લાંબા સમયે ખાલી
જગ્યા તરફ ઢળે છે. માત્ર એક દાંત કઢાવ્યા પછી પણ ખોરાક ચાવવાની ક્ષમતામાં ધણો
ઘટાડો થાય છે. આ તકલીફ નિવારવા માટે બને ત્યાં સુધી દાંત કઢાવવાથી બચવું
જોઈએ. ના છૂટકે દાંત બચી શકે તેમ ના હોય અને ખરાબ થઈ ગયેલ દાંત સંપૂર્ણ શરીરની
તંદુરસ્તી માટે જોખમરૂપ હોય તો જ દાંત કઢાવવો જોઈએ.
દાંત પડાવ્યા બાદ ખાલી પડેલી જગ્યાએ શક્ય હોય તો જરૂરથી બીજો કૃત્રિમ દાંત (ઈમ્પ્લાન્ટ, બ્રિજ, ચોકઠું) બેસાડવો. શ્રેષ્ઠ આયોજન તો એ જ છે કે દાંત કઢાવતા પહેલા જ તેની જગ્યાએ કયા પ્રકારનો અને કયારે કૃત્રિમ દાંત મુકવો. જો પરીસ્થિતિ અનુકૂળ હોય તો દાંત કઢાવતી વખતે જ ઈમ્પ્લાન્ટ મુકાવી દેવો જોઈએ.
દાંત કઢાવવા માટેની શું વિધિ હોય છે?
દાંત કઢાવવા માટેની શું વિધિ હોય છે?તમારા દાંતના ડોકટર દાંત કાઢતા પહેલા તમારા દાંતની અને મોઢાની તબીબી સારવાર કરશે. આ તપાસના ભાગરૂપે કદાચ જરૂર પડે તો એક્સ-રે પણ પાડવો પડે જેના દ્રારા દાંતની અંદરની સ્થિતિનો ખ્યાલ આવે તેમજ દાંતના મુળિયાની સંખ્યા, આકાર, લંબાઈ તેમજ આજુબાજુના હાડકાનો ખ્યાલ આવે. જેથી દાંત કાઢવો કેટલો સરળ કે અઘરું છે તેનો અંદાઝ મળે.
આ તપાસ દરમિયાન કેટલાક મહત્વના પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે ભૂતકાળમાં દાંત કઢાવતી વખતે પડેલી તકલીફો, લોહી વધારે નીકળવાની તકલીફ કે અન્ય ગંભીર બીમારીઓ જેમકે ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હિમોફિલિયા, હૃદયરોગ, થેલેસેમિયા, કેન્સર, એઈડસ, થાયરોઈડ, અસ્થમા (દમ) જેવી બીમારીઓ હોય તો ડોક્ટરને જણાવો. અન્ય કોઈ બીમારી માટેની દવાઓ ચાલુ હોય તો તે ડોક્ટરને બતાવો.
જો કોઈ દવાનું રીએક્શન આવતું હોય કે દર્દી ગર્ભવતી હોય તો તે ડોક્ટરને અચૂક જણાવો.
જો દાંતની તપાસ દરમિયાન દાંતમાં નોંધપાત્ર રસી હોય, સોજો હોય તો તમારા ડોક્ટર, દાંત કાઢતા પહેલા થોડાક દિવસો માટે જીવાણુંવિરોધી (એન્ટીબાયોટીક) દવાઓ લેવાનું જણાવશે, જેથી દાંત કાઢતી વખતે તેમજ દાંત કઢાવ્યા પછી કોઈ તકલીફ ના પડે.
દાંત કેવી રીતે કાઢવામાં આવે છે?
દાંત કાઢતા પહેલા દાંતની બંને તરફ દાંત તેમજ પેઢાને બહેરુ (ખોટું) કરવાનું ઈન્જેકશન (લોકલ એનેસ્થેસિયા) આપવામાં આવે છે, જેથી દાંત કાઢતી વખતે દુખાવો થાય નહીં, પરંતુ જયારે મજબુત દાંત કાઢવા માટે દાંતને હલાવવામાં આવે છે, ત્યારે કઈક દબાણ આવતું હોય તેવી લાગણી અથવા ખ્યાલ જરૂર આવે છે. પરંતુ દુ:ખાવો થતો નથી. હવે તો કેટલીક આધુનિક ક્લિનિકમાં ખોટું કરવાંનું ઇન્જેકશન પણ જરાય દુ:ખે નહીં તે રીતે એકદમ આધુનિક ડિજીટલ લોકલ અનેસ્થેટીક ડિવાઇસ સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે.
દાંત કઢાવ્યા પછી શું ધ્યાન રાખવાનું? – સૂચનાઓ
દાંત કઢાવ્યા પછી
કોઈ તકલીફ ન થાય તે માટે કેટલીક તકેદારીઓ રાખવી જરૂરી છે, જેમકે
- દાંત પડાવ્યા પછી રૂનું પૂમડું એક કલાક સુધી દબાવી રાખવું. જેથી લોહી નીકળતું બંધ થઈ જાય.
- પૂમડું કાઢ્યા પછી ૨૪ કલાક સુધી કોગળા કરવા નહી અને થૂંકવું નહી, થુંક ગળી જવું.
- દાંત પડાવ્યાના એક કલાક પછી નરમ અને પ્રવાહી ખોરાક જેમ કે આઈસ્ક્રીમ (ડ્રાયફ્રુટ વગરનું ), ઠંડુ જ્યુસ, ઠંડું દૂધ વગેરે લઈ શકાય.
- જાય સુધી એનેસ્થેસિયાની અસર હોય ત્યાં સુધી કઈ પણ દાંતથી ચાવવું પડે તેવું કઈ પણ ખાવું નહીં. તેનાથી ગાલ, હોઠ કે જીભમાં ભૂલથી બચકું ભરાઈ જવાની સંભાવના રહે છે.
- ૨૪ કલાક સુધી ઠંડો તેમજ નરમ પોચો ખોરાક લેવો, જેમકે દાળભાત, ખીચડી, શીરો વગેરે. ગરમ કે કઠણ વસ્તુ ખાવી નહી, જેમ કે સોપારી, ખાખરા વગેરે
- દાંત પડાવેલ બાજુથી ચાવવું નહી.
- દાંત પડાવ્યા પછી એક-બે દિવસ, પાનમસાલા, સોપારી, ધ્રુમપાન કે બજરનો નશો કરવો નહી.
- દાંત પડાવ્યા પછી ઘાં માં ૨૪ કલાક સુધી થોડું થોડું લોહી આવે તો ચિંતા કરવી નહી. વધારે લોહી આવે તો ડોક્ટરને બતાવવું.
- દાંત કઢાવ્યા પછી જો અસહય દુ:ખાવો થાય, સોજો આવે તો ડોક્ટરને જરૂરથી બતાવવું.