તમાકુવાળી
ટુથપેસ્ટ વાપરવાથી દાંત કયારેય દુખતા નથી.
દાતમાં દુ:ખાવો
થાય તો તમાકુ, બઝર, વિકસ, મલમનું પોતું, લવિંગ, પેટ્રોલ, કેરોસીન, ટાઈગર બામનું પોતું મુકવાથી દુ:ખાવો મટી જાય
છે.
એક દાંત કઢાવવાથી
બીજા દાંત હલી જાય અથવા બાજુના દાંત કઢાવવા પડે.
દાંત સાફ
કરાવવાથી (સ્કેલિંગથી) દાંત નબળા પડી જાય અથવા હલી જાય.
ડોક્ટર પાસેથી મશીન વડે દાંત સાફ કરવવાથી દાંતની ઉપરનું પડ ઇનેમલ ઘસાઈ જાય છે.
એક વખત દાંત સાફ
કરાવ્યા પછી દાંત વારંવાર સાફ કરાવવા પડે
દુધિયા દાંત પડી
જશે. તે પછી કાયમી દાંત આવવાના જ છે, તો દુધિયા દાંતની સારવાર કે કાળજી લેવાની જરૂર નથી
દાંત હલતા ન હોય
કે દુઃખતા ન હોય તો દાંત કઢાવવા ન જોઈએ
દાંતમાં કઈ પણ તકલીફ નથી, તો અમસ્તું જ ડૉક્ટર પાસે જઈને ચેક-અપ કરાવવાની જરૂર નથી
અત્યારના આધુનિક સમયમાં મેડિકલ સાયન્સમાં આરોગ્ય સંભાળમાં ઘણા નવા પરિવર્તનો આવ્યા છે, તેમ છતાં, કમનસીબે દાંતના આરોગ્ય બાબતે કેટલીક ગેરમાન્યતાઓ અથવા દંતકથાઓ વર્ષોથી પેઢી દર પેઢી હજુ પ્રચલિત છે. જ્યારે દાંત અને પેઢાંની કાળજી લેવાની વાત આવે છે, ત્યારે દંત ચિકિત્સકની સલાહ લેવાને બદલે સાંભળેલી વાતોમાં વિશ્વાસ કરીએ છીએ. જેના કારણે દાંતની સમયસરની યોગ્ય સંભાળ અને સારવારથી વંચિત રહી જવાય છે. આ દાંતના આરોગ્યને માટે જોખમી છે, જે ઘણા બધા દાંત તેમજ મોઢાના ઘણા રોગોને વકરી જવા માટે આમંત્રણ આપે છે.
ચાલો જાણીએ, દાંતને લગતી કેટલીક ભ્રામક ગેરમાન્યતાઓ અને તેના નક્કર વૈજ્ઞાનિક ખુલાસાઓ.
તમાકુવાળી ટુથપેસ્ટ વાપરવાથી દાંત કયારેય દુખતા નથી
આ માન્યતા ખૂબ જ
ભયજનક છે. તમાકુનો કોઈ પણ રીતેનો ઉપયોગ મોંઢાના કેન્સરને તેમજ લોહીના ઊંચા દબાણને
આમંત્રણ આપે છે. તમાંકુયુક્ત ટુથપેસ્ટ વાપરવાથી તેનો નશો ચડે છે. તેમજ ખુબ ટૂંકા
સમયમાં તેના બંધાણી બની જવાય છે. તમાકુને કારણે મોઢાની નાજુક ચામડીનુ ઉપરનું પડ
થોડા સમય માટે બહેરું થઇ જાય છે. તેથી દાતનો સડો કે પેઢાના રોગોને કારણે થતો દુઃખાવો
થોડાક સમય માટે દુર થઇ જાય છે. અથવા તેનાથી રાહત મળે છે, પરંતુ રોગ સંપૂર્ણપણે મટતો નથી. દાતમાં દુખાવો
થાય તો નિષ્ણાત ડોક્ટરને મળવું જોઈએ. જેથી તેની વ્યવસ્થિત કાયમી સારવાર થઇ શકે. તમાકુવાળી
ટુથપેસ્ટ વાપરવાથી દુખાવામાં માત્ર હંગામી રાહત મળે છે, રોગ જડમૂળથી નાબૂદ થતો નથી, પરંતુ રોગને વકરવાનો સમય મળે
છે, જેની દર્દીને મોટેભાગે
જાણ થતી નથી. જયારે જાણ થાય ત્યારે ઘણું મોડું થઇ ચૂકયું હોય છે.
તમાકુવાળી
ટુથપેસ્ટથી દાત વ્યવસ્થિત સાફ થઇ શકતા નથી. તેમજ તેનાથી લાંબા ગાળે દાંત પર તમાકુના ડાઘા થાય છે. જે પેઢાની તંદુરસ્તી માટે
જોખમી છે. વળી, આવી ટુથપેસ્ટો
કીમતમાં પણ ખુબ જ મોંઘી હોય છે. છતા આરોગ્ય માટે નુકશાનકારક છે. કેટલાક દતમંજનોમાં
પણ તમાકુ હોય છે. જેનાથી થોડા સમય માટે દાંતના રોગના લક્ષણો છુપાવી શકાય છે. તમાકુના
નશાને કારણે આવા દંતમંજનોના પણ બંધાણી બની જવાય છે. જેથી નશાના બંધાણને
કારણે જ આવા દંતમંજનોનું વેચાણ સતત ચાલુ રહે.
દાતમાં દુ:ખાવો થાય તો તમાકુ, બઝર, વિકસ, મલમનું પોતું, લવિંગ, પેટ્રોલ, કેરોસીન, ટાઈગર બામનું પોતું મુકવાથી દુ:ખાવો મટી જાય છે
આ માન્યતા પણ ખુબ
જ ભયજનક અને નુકસાનકારક છે. ઘણા દર્દીઓ
દાતમાં દુ:ખાવો થાય તો ઉપર જણાવેલી વસ્તુઓનો દુ:ખાવો દુર કરવા માટે ઉપયોગ કરે છે
જે એક જાતનું સલાડ છે. તેનાથી મોઢાની નાજુક ચામડી બહેરી થઇ જવાથી થોડા સમય પુરતો જ
આરામ મળે છે. આ બધી વસ્તુઓ સ્વભાવે જલદ હોવાથી દાંતનો દુઃખાવો દુર થાય કે ના થાય,
પરંતુ મોઢામાં ચાંદા જરૂર
પડી જાય છે. અને મોઢું આવી જાય છે, પરંતુ દાંતનો રોગ
મટતો નથી. દાતમાં દુ:ખાવો ઉપડે અને તે સમયે ડોક્ટર ઉપલબ્ધ ન હોય અથવા તો સમયની
અનુકુળતા ન હોય તો ઇમરજન્સી પૂરતું પેઈનકીલર ટેબ્લેટ બ્રુફેન કે કોમ્બીફ્લેમ (વ્યક્તિગત
આડઅસરોનું જોખમ ધ્યાનમાં લેવું) લેવાથી હંગામી
ધોરણે દુખાવાથી રાહત મેળવી શકાય છે. દાંતનો દુ:ખાવો મટાડવા તમાકુ, બઝર, પેટ્રોલ, મલમો કે
કેરોસીનનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
એક દાંત કઢાવવાથી બીજા દાંત હલી જાય અથવા બાજુના દાંત કઢાવવા પડે
જી ના, ફરજીયાત નથી. દરેક દાંતની જડબાના
હાડકાંમાં અલગ અલગ સોકેટ હોય છે, એક દાંત કઢાવવાથી બીજા દાંતને કોઈ નુકશાન થતું
નથી. જો કોઈ દાંતમાં સડો હોય તો દાંતમાં રહેલા સડાને દુર કરાવી બચાવવો જોઈએ. જો
દાંત રૂટ કેનાલ ટ્રીટમેન્ટની સારવાર દ્વારા બચી શકે તેમ ન હોય તો જ દાંત કઢાવી નાખવો જોઈએ. કાઢી નાખવા જેવા
દાંતને મોઢાની અંદર રાખવો જોઈએ નહીં. કરંડીયામાં રાખેલી કેરીઓમાં એક સડેલી કેરી બીજી કેરીઓમાં સડો ફેલાવે છે. સડેલા દાંત વિશે પણ આમ જ
સમજવું. તેથી જ જો કોઈ દાંત સડી ગયો હોય તો કા તો સડો દૂર કરો અથવા સડેલો દાંત દૂર
કરો. જેથી આજુબાજુના બીજા તંદુરસ્ત દાંતને સડાથી બચાવી શકાય.
હા, કાઢી નાખેલ દાંતની જગ્યાએ સમયસર કૃત્રિમ દાંત (બ્રિઝ અથવા ઈમ્પ્લાન્ટ) બેસાડવો જરૂરી છે. જો લાંબો સમય સુધી જગ્યા ખાલી રહે તો આજુબાજુના દાંત તથા સામેનો દાંત ખાલી જગ્યા તરફ ઢળે છે અને દંતપંક્તિની ગોઠવણ અવ્યવસ્થિત બને છે અને સમય જતા દાંતની ચાવવાની કાર્ય ક્ષમતા ઘટે છે.
દાંત સાફ કરાવવાથી (સ્કેલિંગથી) દાંત નબળા પડી જાય અથવા હલી જાય
જેવી રીતે વાળ
સાફ કરાવવાથી (ધોવાથી) ખરી જતા નથી. ઊલટાનું વાળ નિયમિત સાફ ન કરવાથી માથામાં જૂ,
ખોડો, ગુમડા, ઉદરી જેવા રોગ થાય છે. તેવી જ રીતે નિયમિત અને યોગ્ય સફાઈથી દાંત અને પેઢાના રોગોને થતા પહેલા જ અટકાવી શકાય છે, આમ દાંતને નબળા થતા રોકી શકાય છે.
ઘણી વખત, દાંત અને પેઢા વચ્ચેના ભાગમાં ખુબ જ છારી જમા
થઇ ગયી હોય ત્યારે પથ્થર જેવી છારીના ટેકે દાંત મજબુત લાગતા હોય છે. પણ આ છારીમાં
પુષ્કળ પ્રમાણમાં રોગના જીવાણુઓ હોય છે, જે પેઢામાં ચેપ લગાડે છે અને દાંતને હાડકામાંથી નબળા પાડી દે છે. આવા સમયે,
આવી છારી દૂર કરવાથી દાંત વચ્ચે છારીની જગ્યા ખાલી થાય છે
અને દાંત થોડા નબળા પડી ગયેલા જણાય છે પણ આ છારી નીકળી જવાથી તેમાંથી રોગ પેદા
કરતા જીવાણુઓ સાફ થવાથી પેઢાના રોગોને આગળ વધતા અટકાવી શકાય છે. પેઢા રૂઝાય છે, પેઢાં નીચેના
હાડકાં નું ધોવાણ અટકે છે. અને આમ થઇ ગયેલી
જગ્યાએથી, જમ્યા બાદ કચરો
વધારે સારી રીતે સાફ કરી શકાય છે અને લાંબા સમય માટે દાંતની તંદુરસ્તી સુધરે છે.
દાંત સાફ કરાવવાથી દાંત નબળા પડતા નથી, ઉલટાનું પેઢા લાંબા સમય માટે તંદુરસ્ત બને છે.
ડોક્ટર પાસેથી મશીન વડે દાંત સાફ કરવવાથી દાંતની ઉપરનું પડ ઇનેમલ ઘસાઈ જાય છે
દાંત સાફ કરવા
માટેનું સાધન અલ્ટ્રાસોનિક સ્કેલર દાંત ઉપર જામેલા
પ્લાક, છારી કે ડાઘા માત્ર
જ ઉખાડે છે અથવા દુર કરે છે. તેનાથી
દાંતના ઉપરનું પડ ઈનેમલને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી.
એક વખત દાંત સાફ કરાવ્યા પછી દાંત વારંવાર સાફ કરાવવા પડે
રસોઈ કરીને કે જમીને ફરીથી ઉપયોગમાં લેતા પહેલા, વાસણો ચોખ્ખા કરવા જરૂરી છે, તેવી જ રીતે દાંત સાફ કરવા જરૂરી છે. દરેક વ્યક્તિએ દિવસમાં બે વખત ભોજન પછી બ્રશ દ્વારા દાંત અને પેઢાની યોગ્ય સફાઈ કરવી જોઈએ. મોંઢાની અંદર કેટલીક જગ્યાઓ,ખૂણા ખાંચા એવા હોય છે કે ત્યાં નિયમિત રીતે બ્રશ વડે સારી રીતે સફાઇ થઈ શક્તિ નથી, તે કચરો વધારે ખરાબી કરે તે પહેલા નિયમિત દર છ મહીને ડોક્ટર પાસે જઈને દાંત સાફ કરાવવાથી દુર થઇ છે અને દાંતને સ્વસ્થ અનેતંદુરસ્ત રાખી શકાય છે, જે જરૂરી છે.
દુધિયા દાંત પડી જશે. તે પછી કાયમી દાંત આવવાના જ છે, તો દુધિયા દાંતની સારવાર કે કાળજી લેવાની જરૂર નથી
આ ગણતરી કે
માન્યતા જોખમી છે. કાયમી દાંતની જેટલી સંભાળ લઈએ તેટલી જ, તેના કરતા વધારે સંભાળ દુધિયા દાંતની લેવી જોઈએ.
કારણકે દુધિયા દાંત કાયમી દાંત માટે જડબામાં જગ્યા રોકી રાખવા માટે છે. જો દુધિયા
દાંત કુદરતી રીતે પડવાના સમય કરતા વધારે પડતા વહેલા સડી જાય અથવા તો કાઢી નાખવામાં
આવે તો તે જગ્યાએ જડબાનો વિકાસ ઓછો થાય છે અને કાયમી દાંત માટે જડબામાં જગ્યા ઓછી
રહે છે અને દાંતની ગોઠવણી વ્યવસ્થિત થતી નથી પરિણામે બાળકના દાંત વાંકાચુકા રહે છે
અને ચહેરાનો દેખાવ બગડે છે. દુધિયા દાંત વહેલા પડી જાય અથવા પડાવવા પડે તો પણ
કાયમી દાંત તો તેના સમય પર જ આવે છે, ત્યાં સુધી બાળકની ખોરાક ચાવવાની ક્ષમતા ઘટી જાય છે. દુધિયા દાંત કઢાવી
નાખવાથી બાળકના ચહેરાની સુંદરતામાં ઘટાડો થાય છે. સડેલા દાંત બાળકનું આરોગ્ય બગાડે
છે. દાંત વિષેના કેટલાક અંધશ્રદ્ધા ભર્યા પ્રશ્નો દર્દીને સમયસરની સારવારથી વંચિત
રાખે છે અને રોગને વકરવામાં કારણભૂત બને છે. દાંતના સડાને ચક્રવર્તી વ્યાજ સાથે સરખાવી શકાય,
જેમ ચક્રવૃધ્ધિ વ્યાજે
લીધેલી રકમ ભરવાની તો છે જ, જેટલી વહેલી ભરાય
તેટલી ઓછી ભરવી પડે, તેવી જ રીતે
દાંતની સારવાર જેટલી સમયસર કરાવો તેટલી ઓછી કરવી પડે, સારવારમાં ઓછો સમય લાગે, ઓછો ખર્ચ થાય અને મહત્તમ સારૂ પરિણામ મેળવી
શકાય અને દાંત ગુમાંવવામાંથી બચી શકાય.
દાંત હલતા ન હોય કે દુઃખતા ન હોય તો દાંત કઢાવવા ન જોઈએ
આ પણ એક ખોટી
માન્યતા છે. શરીરની તંદુરસ્તીને જોખમરૂપ દાંત જો અન્ય સારવારથી બચાવી શકાય તેમ ન
હોય તો વહેલી તકે દુર કરાવવા જોઈએ. વધારે પડતા સડી ગયેલા દાંત સારવારથી બચાવવા
શક્ય ન હોય તો કઢાવી નાખવા જોઈએ, ભલેને તે હલતા ન
હોય કે દુઃખતા ન હોય.
ચોકઠું બનાવતી
વખતે સડેલા, હલતા અને નડતર
રૂપ દાંત કાઢયા બાદ, બે ચાર તંદુરસ્ત
દાંતનું ચોકઠાં માટે બલિદાન આપવું પડે તો તેમાં ડર રાખવા જેવું કાંઈ નથી હોતું.
આવા દાંતને કાઢયા પછી, ત્યાં પાક ન
હોવાને કારણે વધારે ઝડપથી રૂઝ આવે છે. આમ પણ મોઢામાં રહેલા છેલ્લા થોડાક દાંત
ખોરાક ચાવવામાં કશા ઉપયોગી હોતા નથી.
દાંતમાં કઈ પણ તકલીફ નથી, તો અમસ્તું જ ડૉક્ટર પાસે જઈને ચેક-અપ કરાવવાની જરૂર નથી
દર છ મહીને તમારા દાંતની અને મોઢાની તબીબી તપાસ તમારા ફેમીલી દાંતના ડોક્ટર કરાવવી હિતાવહ છે. જેથી કોઈ રોગની શરૂઆત થતી હોય તો તેની જાણ થાય
અને તે જ તબક્કે તેની સારવાર થઈ શકે. એક જૂની કહેવત છે કે “ દુશ્મનને અને રોગને તો
ઉગતો જ ડામી દેવો જોઈએ“.
કઈ પણ તકલીફ નથી હોતી તેમ છતાં આપણે આપણા વાહન, વોટર પ્યૂરીફાયર,
ઈન્વર્ટર બેટરી, એર કન્ડિશનર જેવા સાધનોનું સમયાંતરે ચેક-અપ કરાવીએ છીએ. એટલા માટે
કે તે પૂર્ણ કાર્યક્ષમતાથી કામ આપે અને કયારેય
ઓચિંતું જ ખોટવાઈ ન જાય, અને ખોટવાય તો મોટો ખર્ચ ના આવે.
આવું આપણે ત્યાં દાંતના આરોગ્યની સંભાળ માટે કેમ વિચારવામાં
આવતું નથી. વિકસિત રાષ્ટ્રો જેવા કે અમેરિકા કે યુરોપિયન દેશોના તમામ નાગરિકો દર છ
મહિને કઈ પણ તકલીફ ન હોય તેમ છતાં નિયમિત ડેન્ટલ ચેક-અપ માટે ખૂબ જ ઉત્સાહી હોય છે.
દાંતનો સડો અને
પાયોરિયા બંને રોગ જયારે શરૂઆતના તબક્કામાં હોય ત્યારે દુખાવો કે કોઈ પણ જાતની
તકલીફ થતી નથી અને જયારે તકલીફ થાય ત્યારે રોગ વકરી ચુક્યો હોય છે. કોઈ પણ જાતની તકલીફ ન હોય તો પણ દર છ મહીને દાંતની તબીબી તપાસ કરાવવી જોઈએ. દાંતના રોગની શરૂઆતના તબક્કામાં જ જો સારવાર
થાય તો શ્રેષ્ઠ પરિણામ મળે અને ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં સારવાર થાય, તેના માટે રોગનું શરૂઆતના તબક્કામાં જ નિદાન
થવું જરૂરી છે. દર છ મહીને દાંત અને મોઢાની તબીબી તપાસથી મોઢાના કેન્સરના પ્રાથમિક
ચિહ્નોનું નિદાન પણ થઈ શકે અને તેની વહેલી સમયસરની સારવારથી કેન્સરને કારણે ગંભીર
તકલીફો કે મૃત્યુથી બચી શકાય.